• શનિવાર, 10 જૂન, 2023

ભારતમાં અધૂરા મહિને જન્મતા બાળકોની સંખ્યા ચિંતાજનક

નવી દિલ્હી, તા. 25 : ભારતમાં દર વર્ષે અધૂરા મહિને જન્મેલા લાખો બાળકોનું મૃત્યુ થાય છે. દુનિયાના આંકડાને ધ્યાને લેવામાં આવે તો તેમાં ભારતમાં અપરિપક્વ  જન્મથી મૃત્યુનો દર ખૂબ ઉંચો છે. 2020માં અંદાજીત 134 લાખ બાળકો અપરિપક્વ જનમ્યા હતા. જેમાંથી 30 લાખ એટલે કે 22 ટકા બાળકો ભારતના હતા. વિશ્વ સ્વાસ્થય સંગઠનની બોર્ન ટૂ સુન શીર્ષકના રિપોર્ટ મુજબ યાદીમાં ભારત બાદ પાકિસ્તાન, નાઈઝીરિયા, ચીન અને ઈથોપિયા જેવા દેશ છે.પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના મૃત્યુની યાદીમાં  દુનિયાના 200 દેશમાં ભારતનો ક્રમાંક 59મો છે.

અપરિપક્વ જન્મનો મતલબ બાળક ગર્ભાવસ્થાના 37 અઠવાડીયા પુરા થાય તે પહેલા જ જન્મે છે. જેમાં અલગ અલગ  શ્રેણી પણ છે. જેમ કે 28 અઠવાડીયાથી પહેલા જન્મ થાય તો સમયથી ખુબ પહેલા, 28-32 સપ્તાહ વચ્ચે જન્મે તો સમયથી પહેલા અને 32-37 સપ્તાહમાં જન્મને સમયથી મધ્યમ પહેલાની શ્રેણીમાં રાખવામાં આવે છે. એમ્સ પટણામાં નિયોનેટોલોજીના પ્રમુખ ડો. ભાબેશકાંત ચૌધરીના કહેવા પ્રમાણે  નવજાતોમાં લગભગ 50 ટકા જન્મ અપરિપક્વ હોય છે. જ્યારે 10-20 ટકા તો સમયથી ખુબ પહેલા જન્મે છે. પ્રીમેચ્યોર નવજાતોનો જીવિત રહેવાનો દર ખુબ ખતરનાક છે. જો કે યોગ્ય દેખરેખ અને સારવારથી આ દરમાં કમી લાવી શકાય તેમ છે. ચૌધરીના કહેવા પ્રમાણે સમય પહેલા જન્મેલા બાળકમાં ચાર ન્યુરોલોજીકલ જોખમ સૌથી મુશ્કેલ હોય છે. જેમાં રેટિનોપોથી ઓફ પ્રીમેચ્યોરિટી (આરઓપી), બ્રોકોપલ્મોનરી ડિસ્પેલેસિયા, નેક્રોટાઈઝિંગ એન્ટરોકોલાઈટિસ અને ઈન્ટ્રોંટ્રિકુલર હેમરેજ સામેલ છે.

વિશેષજ્ઞોના માનવા પ્રમાણે ધૂમ્રપાન, શરાબનું સેવન, સંક્રમણ, ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન, હૃદય રોગ, મધુમેહ વગેરે પણ સમય પહેલા બાળકના જન્મનું કારણ બને છે. વૈશ્વિક સ્તરે પાંચ વર્ષથી  ઓછી વયના બાળકોના મૃત્યુમાં સમય પહેલા જન્મ મુખ્ય કારણ છે. તમામ વયનું વિશ્લેષણ કરવાથી જાણવા મળે છે કે ઈસ્કેમિક હૃદય રોગ, ન્યુમોનિયા અને ડાયરિયા બાદ સૌથી વધારે મૃત્યુ બાળકના સમય પહેલા જન્મથી થાય છે. આ બાબતમા ભારતની સ્થિતિ સંતોષજનક નથી. પાંચ વર્ષથી ઓછી વયના બાળકોના મૃત્યુ દરમાં ભારત 200 દેશની યાદીમાં 59મા ક્રમાંકે છે. ભારતની તુલનાએ અન્ય મોટાભાગ દેશો આફ્રિકાના છે. ભારતમાં 2021મા પ્રતિ 1000 જન્મએ 30.6 ટકા મૃત્યુ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દશકમાં ભારતમાં આ દર ઘણો ઘટયો છે.