પુત્ર સાથે દૂધ લેવા જતા હતા ત્યારે બનેલો બનાવ : માતાની નજર સામે જ માસુમ ઉપર બસનું વ્હીલ ફરી વળ્યું
રાજકોટ, તા.22: શહેરમાં સીટીબસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર અકસ્માતો સર્જતા રહે છે. ત્યારે વધુ સિટી બસના ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો છે.કણકોટ રોડ પર લાભુભાઈ ત્રિવેદી કોલેજ પાસે માતા તેના 7 વર્ષના બાળક સાથે નજીકમાં આવેલી દુકાન પર ચાલીને દૂધ લેવા જતાં હતા.ત્યારે બેફામ દોડી આવતી એસટી બસે માતા-પુત્રને ઠોકરે ચડાવતા ઘટના સ્થળે જ બાળકનું મોત નીપજ્યું હતું.જ્યારે માતાને ગંભીર ઈજા થઈ હતી.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલા કણકોટ રોડ પર કૃષ્ણનગરમાં રહેતા હેતલબેન ભરતભાઈ ગોયલ (ઉ.વ.34) તેમના 7 વર્ષના પુત્ર રાજવીર ગોયલ સાથે સવારના સમયે લાભુભાઈ ત્રિવેદી કોલેજે પાસે આવેલી દુકાન પરથી દૂધ લેવા માટે ચાલીને જતાં હતા ત્યારે સિટી બસના ચાલકે બેદરકારીથી બસ ચલાવીને માતા-પુત્રને ઠોકરે ચડાવ્યા હતા.જેમાં માતાની નજર સામે જ પુત્ર ઉપર બસનું વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે જ રાજવીર ગોયલનું મોત નીપજ્યું હતું.અને માતા હેતલબેનને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પીએસઆઈ કારેણાં સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને સિટી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મોકાજી સર્કલ પાસે 10 વર્ષની બાળાને કારચાલકે ઠોકરે ચડાવી
મોકાજી સર્કલ પાસે અજાણ્યા કાર ચાલકે ભીમરાવનગર સોસાયટીમાં રહેતા પરિવારની 10 વર્ષની કાવ્યા દિનેશભાઈ ચૌહાણ નામની માસુમ બાળકીને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં માસુમ બાળકીને હાથમાં ફેક્ચર જેવી ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અંગે ઇજાગ્રસ્ત બાળકીની માતાએ અકસ્માત સર્જના અજાણ્યા કારચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.