બીસીસીઆઇના નિયમ અનુસાર ડોમેસ્ટિક ક્રિકેટથી જ પુનરાગમન શક્ય
નવી
દિલ્હી, તા.10: ટી-20 અને ટેસ્ટ ફોર્મેટને બાયબાય કરી દેનાર પૂર્વ કપ્તાન રોહિત શર્મા
અને વિરાટ કોહલી સામે વન ડે ટીમમાં સામેલ થવા માટે હવે એક નવો પડકાર છે. આ બન્ને સ્ટાર
ખેલાડી વર્ષ 2027નો વન ડે વર્લ્ડ કપ રમી ક્રિકેટ જગત છોડવા માંગે છે. હાલ તો આ બન્ને
ખેલાડીની વન ડે ટીમમાં પણ જગ્યા નિશ્ચિત નથી, કારણ કે કોચ ગૌતમ ગંભીર અને બીસીસીઆઇએ
કોઇ પણ ખેલાડી માટે વાપસીની નવી શરતો રાખી છે. જે અનુસાર દરેક ખેલાડી માટે ડોમેસ્ટિક
ક્રિકેટ રમવું ફરિજયાત છે. તેમાં ફોર્મ અને ફિટનેસ સાબિત કરનાર ખેલાડી માટે જ રાષ્ટ્રીય
ટીમના દરવાજા ખુલશે.
ગત
રણજી સિઝનમાં બીસીસીઆઇના આ નિયમને લીધે રોહિત શર્મા રણજી ટ્રોફી મેચ રમ્યો હતો. હવે
જો વન ડે ટીમમાં વાપસી કરવી હશે તો રોહિત-વિરાટે વિજય હઝારે ટ્રોફીમાં ભાગ લેવો પડશે.
ટીમ ઇન્ડિયાની આગામી વન ડે શ્રેણી ઓકટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે છે. જો રોહિત અને વિરાટ
વિજય હઝારે ટ્રોફીમાં નહીં રમે તો તેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસની વન ડે ટીમમાં જગ્યા નહીં
મળે તેવા રિપોર્ટ છે. 2027 વન ડે વર્લ્ડ કપ સમયે રોહિતની ઉંમર 40 અને વિરાટની વય
38 હશે.