બેંગલોરમાં કહ્યું, ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ જોયો નવા ભારતનો ચહેરો
બેંગલોર,
તા 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બેંગલોર પહોંચ્યા હતા અને શહેરની કનેક્ટિવિટીને
નવું રૂપ આપવા માટે ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટસનો શુભારંભ કર્યો હતો. તેમણે ભારતની સિલિકોન
વેલી કહેવાતા બેંગલોરને ત્રણ નવી વંદે ભારતની સોગાત આપી છે. તેમજ નમ્મા મેટ્રો લાઈનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે પીએમ મોદીએ પોતાના
સંબોધનમાં બેંગલોરને નવા ભારતના ઉદયનું પ્રતીક ગણાવ્યું હતું અને દેશના અર્થતંત્ર ઉપર
વાત કરતા કહ્યું હતું કે દુનિયાએ નવા ભારતનો ચહેરો જોયો છે. ભારત સૌથી ઝડપી વિકસતું
અર્થતંત્ર છે.
બેંગલોરમાં
તમામ પરિયોજનાઓના શુભારંભ બાદ પીએમ મોદીએ જનતાને સંબોધિત કરતા ઓપરેશન સિંદૂરની સફળતા
અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે સફળતા પાછળ
મહત્વનો રોલ ટેક્નોલોજી અને ડિફેન્સમાં મેક ઈન ઈન્ડિયાની તાકાતનો રહ્યો છે.
જેમાં બેંગલોર અને કર્ણાટકના યુવાનોનું મોટુ યોગદાન છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું
કે ટુંક સમયમાં ભારતને મેડ ઈન ઈન્ડિયા ચિપ પણ મળવા જઈ રહી છે.
પીએમ
મોદીના કહેવા પ્રમાણે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની સફળતા, કિલોમીટરો દુર આતંકી છાવણીઓને
ધ્વસ્ત કરવાની ક્ષમતા લોકોએ જોઈ છે. આતંકવાદના બચાવમાં આવેલા પાકિસ્તાનને ગણતરીની કલાકોમાં
ઘૂંટણીયે પડવા મજબૂર થવું પડયું અને પુરી દુનિયાએ આ નવા ભારતનો ચહેરો જોયો છે. ભારતીય
અર્થવ્યવસ્થાની મજબૂતી અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, દુનિયામાં ભારત સૌથી
તેજીથી વધતી ઈકોનોમી છે અને છેલ્લા 11 વર્ષમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. 11 વર્ષ પહેલા
અર્થતંત્ર દુનિયામાં 10મા નંબરે હતું અને હવે પાંચમા નંબરે છે.