• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

બોઈંગ સામે કેસ લડતા અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળે કરી તપાસ

વકીલ માઇક એન્ડ્રુઝે પીડિત પરિવારોની મુલાકાત કરી કેસનો અભ્યાસ શરૂ કર્યે

અમદાવાદ, તા.10 : અમદાવાદ વિમાન દુર્ઘટનાના કેસમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ન્યાયની રાહ જોતાં 65 પીડિત પરિવારે યુએસ ફેડરલ કોર્ટમાં અરજી કરી છે. ભારત અને યુકેના પીડિતોના પરિવારોએ ન્યાય માટે અમેરિકા સ્થિત લૉ ફર્મ બસ્લી એલનની નિમણૂક કરી છે. જેના વકીલ માઈક એન્ડ્રુઝે આજે અમદાવાદના મેઘાણીનગરમાં દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઘટના બાદ પ્રથમ વખત કોઈ કાયદાકીય નિષ્ણાત સ્થળ પર પહોંચ્યા છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાન બનાવતી બોઈંગ કંપની સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ વકીલે પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાત લઈ જરૂરી વિગતો મેળવી હતી. અમેરિકલ વકીલ માઈક એન્ડ્રુઝેએ ઘટનાસ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. જેથી દુર્ઘટનાના કારણો અને જવાબદારી નક્કી કરવામાં મદદ મળે. આ મુલાકાત પીડિત પરિવારોને કાયદાકીય લડાઈમાં મદદરૂપ થશે અને ન્યાયની પ્રક્રિયાને વેગ મળશે તેવી અપેક્ષા છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં પીડિતોએ યુએસ કોર્ટમાં અરજી કરી હોવાથી, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મામલો ચર્ચામાં આવ્યો છે.તેઓ ક્યાં ક્યાં મુદ્દાઓને લઈને કોર્ટમાં જવું અને શું શું ખામીઓ છે તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે.

એન્ડ્રુઝે જણાવ્યું હતું કે પરિવારો પાસે ચાલુ તપાસના તારણોને આધાર બનાવતાં યુ.એસ. કોર્ટમાં પ્રોડક્ટની જવાબદારીનો દાવો કરવાનો વિકલ્પ છે. લૉ ફર્મનો સંપર્ક કરનારા પીડિતોના પરિવાર જાણવા માગે છે કે ઘટના સમયે શું થયું, શા માટે થયું અને તેમની પાસે કયા વિકલ્પો છે. વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી જનારા વિશ્વાસની પણ મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરાશે.

એન્ડ્રુઝે આગળ જણાવ્યું કે, ‘અમે હાલમાં 65 પરિવાર તરફથી કેસ લડી રહ્યા છીએ, જે ભારત અને યુકે બન્નેના નાગરિક છે. તપાસના આધારે કાયદાકીય વિકલ્પો રજૂ કર્યા છે. વધુ તપાસ બાદ અમને ખ્યાલ મળશે કે કોઈ કંપની આ દુર્ઘટના માટે જવાબદાર છે કે નહીં. જો બોઇંગ આ ક્રેશ માટે જવાબદાર રહી તો તેની વિરુદ્ધ યુએસ ફેડરલ કોર્ટમાં કેસ  દાખલ કરવામાં આવશે. અમેરિકામાં કાનૂની વ્યવસ્થા એવી રીતે સ્થાપિત કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ, ગ્રાહક અથવા પરિવાર, બોઇંગ જેવી મલ્ટીનેશનલ કંપની સાથે સમાન ન્યાય કરવાની ક્ષમતા છે.

એન્ડ્રુઝે કેન્દ્ર સરકારને ફ્લાઇટ ડેટા રેકોર્ડર તેમજ કોકપીટ વોઇસ રેકોર્ડરનો ડેટા જાહેર કરવા વિનંતી કરી છે. જેથી વકીલો અને નિષ્ણાતો તેનું વિશ્લેષણ કરી શકે અને વધુ કાનૂની વિકલ્પો શોધી શકે.તેમણે અમદાવાદ, વડોદરા, દીવ અને સુરતમાં પીડિત પરિવારોની મુલાકાત લીધી છે. બોઈંગ વિમાનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના સ્વજનોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે.

અહીં નોંધવું ઘટે કે, 12 જૂનના રોજ બોઇંગ 787-8 એરક્રાફ્ટ એર ઇન્ડિયા અઈં 171 અમદાવાદ શહેરમાં ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની બે મિનિટમાં જ મેડિકલ હોસ્ટેલ સંકુલમાં ધડાકાભેર અથડાયું હતું. વિમાનમાં  આગ લાગતાં સવાર 242માંથી 241 મુસાફરો મોતને ભેટયા હતાં. એકમાત્ર વિશ્વાસ નામના મુસાફરનો આબાદ બચાવ થયો હતો. આ સિવાય હોસ્ટેલ અને રસ્તા પરથી સવાર થઈ રહેલા લગભગ 19 લોકોના મૃત્યુ થયા હતાં. જેમાં ચાર તબીબી વિદ્યાર્થીઓ હતા. અનેક લોકો ઘાયલ પણ થયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક