• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં આઠ આધુનિક સ્ટેશન તૈયાર કરાશે

અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી સહિતના શહેરોમાં બનશે સ્ટેશન

અમદાવાદ, તા. 27: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં કુલ 8 આધુનિક સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનો અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા અને વાપી જેવા મુખ્ય શહેરોમાં બનાવવામાં આવશે. આ તમામ સ્ટેશનોના સ્ટ્રક્ચરલ કામ લગભગ પૂર્ણ થઈ ચુક્યા છે. આ પ્રોજેક્ટ માત્ર ટ્રેન સેવા પૂરતો સીમિત નથી, પરંતુ પ્રવાસીઓને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે પણ કટિબદ્ધ છે. બુલેટ ટ્રેનના સ્ટેશનો માત્ર પ્રવાસનું માધ્યમ જ નહીં, પણ આરામ અને સુવિધાના પ્રતીક બનશે. દરેક સ્ટેશનની ડિઝાઇન જે તે શહેરની સાંસ્કૃતિક ઓળખ દર્શાવશે, જેથી પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિનો અનુભવ પણ થશે. આ સ્ટેશનો પર મુસાફરો માટે આરામદાયક વેઇટિંગ એરિયા, લિફ્ટ અને એસ્કેલેટર જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં, સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે કેટલાક સ્ટેશનો પર સોલાર પેનલો પણ લગાવવામાં આવશે, જ્યારે સ્ટેશનોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે.

આ સ્ટેશનો મેટ્રો, બસ અને અન્ય પરિવહન સેવા સાથે સંકળાયેલા રહેશે

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય સ્ટેશનોને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ સ્ટેશનો બુલેટ ટ્રેન ઉપરાંત અન્ય પરિવહન સેવાઓ જેવી કે મેટ્રો, બસ અને અન્ય જાહેર વાહનવ્યવહાર સાથે પણ સંકળાયેલા રહેશે, જેથી મુસાફરો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સરળ બનશે. બુલેટ ટ્રેનનો આ પ્રોજેક્ટ ગુજરાતમાં પરિવહન અને વિકાસના નવા યુગનો પ્રારંભ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક