• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ફરિયાદોના ધોધ બાદ રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર વીજળિક સમારકામ

ખાડા બુરાયા, રોડ સરફેસ કરી પુન: મોટરેબલ કરાયો

રાજકોટ, તા. 28: રાજકોટ-જેતપુર હાઈ વે સિક્સલેન કરવાની કામગીરી બે-અઢી વર્ષથી પુરી નહીં થતા દરરોજ હજારો વાહનચાલકો યાતના ભોગવી રહ્યા છે. આ અંગે ફરિયાદોનો ધોધ વછુટતા છેવટે નેશનલ હાઈવે ઓથોરિટીએ દોડવું પડયું છે અને વીજળીક ઝડપે સમારકામ હાથ ધરવાની ફરજ પડતા ગોંડલથી ભરૂડી અને જેતપુરથી ચોરડી સુધીનો રસ્તો પુન: મોટરેબલ કરાયો છે. ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાના પરિણામે જે રસ્તાઓને નુકસાન થયું છે, તેને પુન: મોટરેબલ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગો એક્શન મોડમાં કામગીરી કરી રહ્યાં છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની સૂચના મુજબ જિલ્લાભરમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ ઝડપથી પૂર્વવત્ કરવાના કામો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા નેશનલ હાઇવે પર યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા ગત તા. 27 ઓગસ્ટના રોજ જેતપુરથી ચોરડી સુધીના રસ્તા પર ડામર પેચ કરીને ખાડા બુરવામાં આવ્યા છે, તેમજ આ હાઇવે પર હજુ રસ્તા મરામતની કામગીરી શરૂ છે. ઉપરાંત, ગોંડલથી ભરૂડી ટોલનાકા સુધીનો 200 મીટર જેટલો રસ્તો સમથળ કરવામાં આવ્યો છે. વધુમાં, ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી નજીક પણ ડામર પેચવર્ક કરીને માર્ગ સુગમ બનાવવામાં આવી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક