શેરીમાં રખડતા શ્વાન મુદ્દે સર્વોચ્ચ અદાલતે ફરી ભવાં તાણ્યાં છે. આવું એટલા માટે તેણે કરવું પડયું કે દેશના કેટલાક રાજ્યોની સરકાર અને તેનું પ્રશાસન સ્થાયીરુપથી બધિર હોય તે રીતે વર્તી રહ્યાં છે. આખા દેશના રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યા હોવા છતાં કાર્યવાહી થઈ નથી તેવી ઝાટકણી સર્વોચ્ચ અદાલતે કાઢી. રખડતા શ્વાનની સમસ્યા મોટી છે, વકરી રહી છે. દેશના ન્યાયતંત્રની સર્વોચ્ચ સંસ્થાને તેની ચિંતા છે પરંતુ તંત્ર બેદરકાર-બેજવાબદાર છે. રસ્તા ઉપર શ્વાન કરડવાથી દર વર્ષે હજારો લોકોના જીવ જાય છે. શ્વાન પાછળ દોડે અને અકસ્માત થાય તે ઘટના તો વળી અલગ. મુદ્દો જો જીવદયાનો હોય તો એટલું સૌ કોઈએ સ્પષ્ટ સમજી જવું જોઈએ કે માણસ પણ જીવ છે, તેની પણ દયા હોય.
શ્વાન
કે કોઈ પશુ-પ્રાણી, નાના જંતુને પણ મારવું તે આપણી સંસ્કૃતિ નથી. વસૂકી ગયેલી ગાયને
પણ પાંજરાપોળમાં સાચવવામાં આવે છે. રોગિષ્ટ શ્વાનની સેવા-સારવાર કરતી સંસ્થાઓ પણ દેશમાં-
ગુજરાતમાં ઘણી છે, તેમનું કાર્ય પ્રશંસનીય છે, તેને પ્રોત્સાહન પણ મળવું જોઈએ. સામે
વાત એટલી છે કે રસ્તે રખડતી ગાય હાઈ-વે ઉપર પણ ટ્રાફિકને અડચણરુપ બને, શ્વાન શેરીમાં
દોડે અને રાહદારીને-વાહનચાલકને કરડે ત્યારે એ સ્થિતિનો કોઈ ઉકેલ હોવો જોઈએ. નગર સંસ્કૃતિ
આપણે અપનાવી એટલે પશુ ત્યાં વસે જ નહીં તેવું ન હોય પરંતુ માનવીઓ સલામત રીતે વસી શકે
તે તો આવશ્યક છે. આ મુદ્દે વિવાદ જૂનો છે. અદાલતના આદેશ કે પ્રશાસન દ્વારા થતા તેના
અમલનો વિરોધ શ્વાનપ્રેમીઓ ઝનૂનપૂર્વક કરે છે.
22
જુલાઈ, 2025ના દિવસે સ્વત: સંજ્ઞાન લઈને રઝળતા શ્વાનને લીધે થતી સમસ્યા, હડકવાનો મુદ્દો
અદાલતે લીધો હતો. દિલ્હી- એનસીઆરમાંથી હટાવીને તેમે શેલ્ટરહાઉસમાં મોકલી દેવા હુકમ
થયો, આ નિર્ણયનો પ્રચંડ વિરોધ થયો.  22મી ઓગસ્ટે
કોર્ટે કહ્યું કે નસબંધી કરીને શ્વાનને છોડી દેવાશે, તેમને ગોંધી નહીં રખાય. સાથે જ
આ કાયદો રાષ્ટ્રવ્યાપી બનાવાયો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ પક્ષકાર બનાવાયા.
સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે આ અંગે નીતિ ઘડાવી જોઈએ. હવે મુદ્દો
ઉપસ્થિત થયો છે કે પશ્ચિમ બંગાળ, તેલંગણા અને દિલ્હી સિવાય રખડતા શ્વાન અંગે કોઈ રાજ્ય
કે કેન્દ્રશાસિત પ્રદેશે અહેવાલ આપ્યો નથી. જે પ્રશ્ન મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન
કક્ષાનો છે તેના માટે સુપ્રીમ કોર્ટ ચિંતા કરે તે તો કેવું ? 
કોર્ટ
ન કહે તો પણ શહેરી વ્યવસ્થા, શહેરીજનની સલામતી માટે રખડતા પશુ, ગંદકી જેવી બાબતોને
સ્થાનિક પ્રશાસને કામ કરવું જોઈએ. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. તદ્દન
સામાન્ય કાર્ય માટે કોઈ આદેશની જરૂર જ ન હોય. શહેર નિયમન તો સ્થાનિક પ્રશાસનની પાયાની
ફરજ છે. વિવિધ સંસ્થા, સેવાભાવી લોકોએ પણ સકારાત્મક અને સમજણપૂર્વકનું વલણ અપનાવવાની
જરૂર છે. જીવહિંસા કે જીવ પ્રતારણાની વાત નથી. વ્યવસ્થા માટે આ કરવું જરૂરી છે. શ્વાન
કે પશુને ઈજા પહોંચાડયા વગર શહેરનું તંત્ર સારી રીતે ચલાવવું પડે. 
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    