148 વર્ષથી ચાલી આવતી પરંપરા તૂટશે
નવી
દિલ્હી, તા. 30: ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 148 વર્ષથી ચાલી આવતી એક પરંપરા ભારત-દક્ષિણ
આફ્રિકા વચ્ચેના બીજા ટેસ્ટ દરમિયાન તૂટશે. કોઇ પણ ટેસ્ટ મેચનો પ્રારંભ ટોસ સાથે થતો
હોય છે જ્યારે બે કલાક પછી લંચ, તેની બે કલાક પછી ટી ટાઇમ અને અંતમાં આખરી બે કલાકની
રમત પછી સ્ટંમ્પ પરંતુ આફ્રિકા અને ભારત વચ્ચેના 22 નવેમ્બરથી શરૂ થતાં બીજા ટેસ્ટમાં
આ પરંપરા તૂટશે. આ ટેસ્ટ મેચમાં લંચ અગાઉ ટી બ્રેક થશે. આ પછી બપોરે લંચ ટાઇમ હશે.
બીસીસીઆઇએ
ગુવાહાટીમાં રમાનાર બીજા ટેસ્ટના પ્લેઇંગ ફોર્મેશનમાં ફેરફાર કર્યા છે. જેને સાઉથ આફ્રિકા
ક્રિકેટ બોર્ડે પણ મંજૂરી આપી દીધી છે. ગુવાહાટી ભારતના પૂર્વી વિસ્તારમાં છે અને ત્યાં
સૂરજ જલ્દી ઉગે છે અને જલ્દીથી ડૂબે છે. 
આથી
ગુવાહાટી ટેસ્ટના પાંચેય દિવસ પહેલું સેશન 9-00થી 11-00નું રહેશે. આ પછી 20 મિનિટનો
ટી-બ્રેક હશે. 11-20થી 1-20 બીજું સેશન રમાશે. એ પછી 40 મિનિટ માટે લંચ બ્રેક હશે.
છેલ્લે ત્રીજા સત્રની શરૂઆત 2-00 વાગ્યાથી થશે અને 4-00 વાગ્યા સુધી ચાલશે. દિવસની
90 ઓવર પૂરી કરવા માટે અમ્પાયર અરધો કલાકનો સમય વધારી શકે છે. ભારતમાં મોટાભાગે ટેસ્ટ
મેચની શરૂઆત 11-30 કલાકથી થતી હોય છે. 11-30 લંચ ટાઇમ હોય છે. 12-10 મિનિટે મેચ ફરી
શરૂ થાય છે અને 2-10 મિનિટે ટી-ટાઇમ હોય છે. આખરી સત્ર 2-30થી શરૂ થાય છે અને લગભગ
4-30 કે પ-00 સુધીમાં દિવસ સમાપ્ત થતો હોય છે.
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    