ટોરન્ટો, તા.ર9 : કેનેડામાં ભારતીય મૂળના ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. કેનેડિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂળ લુધિયાણાના અને કપડાંની રીસાલઈકલિંગ કંપનીના પ્રમુખ દર્શન સિંહ સાહસી (68)ની બ્રિટીશ કોલંબિયાના એબોટ્સફોર્ડમાં સોમવારે સવારે તેમની કારમાં હત્યા કરવામાં આવી હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દર્શન સિંહ તેમની કારમાં બેસતા દેખાય છે ત્યારે એક હુમલાખોર નજીક આવે છે અને ગોળી મારી દે છે. હુમલાખોર એકલો હતો અને કારમાં નાસી છૂટયો હતો. ગોળીબારની જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત દર્શન સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોએ સોશિયલ મીડિયા પોસ્ટથી હત્યાની જવાબદારી લઈ ખંડણી ન આપતાં હત્યા કરાયાનું જણાવ્યું હતું.
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    