• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી

 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, વિવિધ સ્થળોએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

 

અમદાવાદ, તા. 30: છેલ્લા થોડા સમયથી માવઠાએ ગુજરાતમાં ધમાલ મચાવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સ્થળોએ ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. 1 નવેમ્બરે ભરૂચ અને સુરત; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે તેમજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે  તેમજ 2 નવેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. વર્તમાન વરસાદી સિસ્ટમના કારણે આગામી 2 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તથા 2 નવેમ્બર સુધીમાં પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અરબી સમૃદ્ધના હળવું દબાણના કારણે અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાતોના અનુસાર મોન્થા વાવાઝોડાની અસરથી 2 નવેમ્બર સુધી પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. 8 થી 15 નવેમ્બર વચ્ચે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ડિસેમ્બર મહિનામાં પણ વરસાદી માવઠું રહેશે.

 

સ્વાતિ નક્ષત્ર દરિયાના બદલે જમીન પર વરસ્યું

તળાજા ગાયત્રી મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણ આશીષભાઈ ત્રિવેદીએ વર્તમાન ચાલી રહેલા નક્ષત્ર વિશે જણાવ્યું હતુ કે હાલ સ્વાતિ નક્ષત્ર ચાલી રહ્યું છે. આ નક્ષત્રનું પાણી મઘા નક્ષત્રની જેમ સારું માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 27 નક્ષત્ર પૈકીનું આ 15મું નક્ષત્ર છે. અધિષઠાતું ગ્રહ રાહુ છે. નક્ષત્ર દેવતા વાયુદેવ છે. આ નક્ષત્ર મોટાભાગે દરિયામાં જ વરસી જતું હોય છે પરંતુ આ વખતે જમીન પર વરસી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક