• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

‘શક્તિ’ પ્રદર્શન: ભારત મહિલા વર્લ્ડકપ ફાઇનલમાં

સાત વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે 339 રનનો વિક્રમી લક્ષ્યાંક પાંચ વિકેટે પાર પાડયો

 

નવી મુંબઇ તા.30: જેમિમા રોડ્રિગ્સની લડાયક અને અણનમ સદીની મદદથી ભારતની દીકરીઓએ ઇતિહાસ રચીને આઇસીસી વન ડે વિશ્વ કપના ફાઇનલમાં શાનથી પ્રવેશ કર્યોં છે. સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મહિલા ક્રિકેટ ઇતિહાસનો સૌથી વધુ રન લક્ષ્યાંક 339 રન સર કરીને પ વિકેટે જીત મેળવી હતી. ભારતની આ વિક્રમી જીતથી ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમ વિશ્વ કપની બહાર થઇ છે. ભારતીય મહિલા ટીમ હવે રવિવારે દક્ષિણ આફ્રિકા સામે ખિતાબી જંગ રમશે. સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની યાદગાર જીત બાદ ભારતીય ખેલાડીઓ મેદાન પર ભાવુક બની રડી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટીમ હાર બાદ ભાંગી પડી હતી. ભારતીય મહિલા ટીમની આ જીતની દેશભરમાં ઉજવણી થઇ હતી. ભારત પાસે હવે પહેલીવાર મહિલા વિશ્વ કપ જીતવાનો મોકો છે.

 ભારત તરફથી પ્લેયર ઓફ ધ મેચ જેમિમા રોડ્રિગ્સે 127 રનની અણનમ અને મેચ વિનિંગ ઇનિંગ રમી ઓસ્ટ્રેલિયા ટીમને અવાચક કરી દીધી હતી. આ ઉપરાંત ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે આક્રમક 89 રન કર્યાં હતા અને જેમિમા સાથે ત્રીજી વિકેટમાં 167 રનની વિજયી ભાગીદારી થઇ હતી. ઓસ્ટ્રેલિયાના 338 રનના જવાબમાં ભારતીય મહિલા ટીમે 9 દડા બાકી રાખી 48.3 ઓવરમાં પ વિકેટે 341 રન કરી યાદગાર વિજય સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક