• શનિવાર, 01 નવેમ્બર, 2025

ઊર્જાક્ષેત્રે ઉલ્લેખનીય ઊડાન

પર્યાવરણની ઉપેક્ષાને લીધે થતી સમસ્યાનો ભોગ વિશ્વ અને ભારત બન્ને બની રહ્યા છે. પર્વતીય ક્ષેત્રોમાં થતી દુર્ઘટના, અતિવૃષ્ટિ કે હોનારતો વખતે સતત પર્યાવરણ-પ્રદૂષણની ચર્ચા થાય સાથે જ કુદરતી ત્રોતોનો સોંથ વળ્યાનો વસવસો પણ થાય. આ બધી ચર્ચાની વચ્ચે ભારત સરકારની, દેશની એક સિદ્ધિ ઊર્જાક્ષેત્રે જાહેર થઈ છે, વિશ્વની આંખે ઊડીને વળગે તેવી આ સિદ્ધિ છે. દેશની કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં 50 ટકા હિસ્સો આ રીન્યુએબલ એનર્જીનો છે. ભારતના ઓવારણા વિશ્વભરના પર્યાવરણપ્રેમીઓ લે તેવી ઘટના એ છે કે નિર્ધારિત સમયસીમા કરતાં પાંચ વર્ષ પહેલાં ભારતે આ સફળતા મેળવી લીધી છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની આ સિદ્ધિ મહાન ગણી શકાય.

પર્યાવરણ બચાવ અને ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે વિરાટ યજ્ઞ જેવું એક કાર્ય ચાલી રહ્યું છે તેમાં ભારતે મોટું યોગદાન આપ્યું છે. બિનપરંપરાગત ત્રોતથી વીજ ઉત્પાદનની ક્ષમતા 2.56 લાખ મેગાવોટ થઈ ગઈ છે.જે કુલ વીજ ઉત્પાદનના 51 ટકા છે. આ ઉત્પાદનમાં સૌર ઊર્જાનો હિસ્સો 1.27 લાખ મેગાવોટ છે. રીન્યુએબલ એનર્જીથી ઉત્પન્ન વીજળીની ક્ષમતા પાંચ લાખ મેગાવોટ થવી તે નાની વાત નથી. બિનપરંપરાગત ઊર્જાત્રોત જેવી બાબતે આપણે ત્યાં હોવી જોઈએ તેવી જાગૃતિ હજી પાંચ-સાત વર્ષ પહેલાં પણ નહોતી. હવે સોલાર રુફટોપ શહેરી-ગ્રામ્ય વિસ્તારની ઈમારતોની અગાસી ઉપર દેખાય છે. કોલસા સહિતના સામાન્ય ત્રોતોને બદલે સૌર ઊર્જા કે અન્ય ત્રોતોનો ઉપયોગ અને તેના માટેની જાગૃત વધી છે. સરકાર દ્વારા અપાતી સબસિડી ઉપરાંત પ્રચાર-પ્રસાર પણ તેમાં જવાબદાર છે.

પર્યાવરણ સુરક્ષાના આંતરરાષ્ટ્રીય સમુદાયે વીજ ઉત્પાદનમાં બિનપરંપરાગત ત્રોતોનો હિસ્સો 50 ટકાથી વધારે હોય તેવી સ્થિતિ માટે વર્ષ 2030ને સમયસીમા તરીકે નિર્ધારિત કર્યું હતું. ભારતે આ કાર્ય 2025માં, પાંચ વર્ષ વહેલું સિદ્ધ કરી લીધું છે. વધતી વસતી, ઉદ્યોગોનું પ્રમાણથી લઈને પરિવહન, વિવિધ ઉપકરણો વગેરેને લીધે ઊર્જાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. વિશ્વ સ્તરે પાણી અને વીજળીની માગ સામે પુરવઠો ઓછો થતો હોવાની સ્થિતિ છે. પર્યાવરણપ્રેમીઓ, પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ તથા વિવિધ દેશની સરકારો ચિંતિત છે અને હાલત થાળે પાડવા પ્રયત્નશીલ છે. પર્યાવરણ સંબંધિત જે સમસ્યા કે સ્થિતિ થઈ છે તેમાં ઊર્જાત્રોત-વીજવપરાશ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. કપાતાં જંગલો ચિંતાનો વિષય રહ્યો છે.

આ તમામ સંજોગોમાં ઊર્જાના બિનપરંપરાગત ત્રોત આશીર્વાદરુપ છે. જે લોકો એવું કહે છે કે સરકાર માત્ર વાતો અને પ્રચાર કરે છે તેમના માટે પણ આ જવાબ છે કે આ ક્ષેત્રે તો નક્કર કામ થયું જ છે.

ઇ-પેપરના નવા શુલ્ક