• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ભારતે ગુમાવ્યું તાજિકિસ્તાનનું આયની એરબેઝ

ચીન-રશિયાની શાતિર ચાલથી બે દાયકા પછી રણનીતિક નુકસાન

 

નવી દિલ્હી તા.30 : મધ્ય એશિયાના ખડકાળ પર્વતોમાં પાકિસ્તાન અને ચીન સામે રણનીતિક મહત્વ ધરાવતું તાજિકિસ્તાનનું આયની એરબેઝ ભારતે ખાલી કર્યુ છે. બે દાયકા પછી ભારતે પોતાના હેલિકોપ્ટરો, એન્જિનિયરો અને તાલીમ ટીમોને પરત બોલાવી છે. ચીન અને ભારતના મિત્ર દેશ રશિયાએ સાથે મળીને આ એરબેઝ મામલે ભારત સાથે ગેમ રમી નાખ્યાની આશંકા સેવાઈ છે.

આયની એરબેઝથી ભારત મધ્ય એશિયામાં તેની લશ્કરી હાજરી અને પ્રભાવ જાળવી શકતું હતુ.   પાકિસ્તાની હવાઈ ક્ષેત્રને બાયપાસ કરવાની અને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં આવશ્યક કામગીરી હાથ ધરવાની ક્ષમતા મળતી હતી. અહેવાલો અનુસાર, રશિયા અને ચીને સંયુક્ત રીતે તાજિકસ્તાન પર દબાણ કરતાં લીઝ લંબાવવામાં ન આવી ભારતને તેની લશ્કરી હાજરી પાછી ખેંચવાની ફરજ પડી છે. આયની અફઘાનિસ્તાનના વાખાન કોરિડોરને અડીને આવેલું છે જે પીઓકે થી માત્ર ર0 કિલોમીટર દૂર છે. આ એરબેઝથી ભારતીય ફાઇટર જેટ પેશાવર અથવા ઇસ્લામાબાદને નિશાન બનાવી શકે છે. ચીનના શિનજિયાંગ પ્રાંત સાથેની તેની સરહદ તેને દુશ્મનો માટે બેવડો પડકાર ઉભો કરે છે.

અહેવાલ મુજબ, રશિયાને ચિંતા હતી કે પશ્ચિમ તરફ ભારતનું વલણ મધ્ય એશિયામાં બાહ્ય હસ્તક્ષેપ વધારશે. ર007 માં જ્યારે પરમાણુ કરારને કારણે ભારત-પશ્ચિમ સંબંધો મજબૂત થઈ રહ્યા હતા ત્યારે રશિયાએ ભારતને આયનીથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક