• શનિવાર, 01 નવેમ્બર, 2025

કારતકમાં ખેડૂતોની કમોસમી કસોટી

ઢંડીની ઋતુ શરૂ થવાની વાટ જોઈ રહેલા સોરઠવાસીઓ, ખેડૂતો વગર ચોમાસે વરસાદ વેઠી રહ્યા છે. અષાઢ-શ્રાવણમાં આવે તો વરસાદ વધાવ્યો કહેવાય પરંતુ અત્યારે વેઠવો પડી રહ્યો છે કારણ કે કૃષિક્ષેત્ર ઉપર તેની અત્યંત ઘેરી અસર પડી રહી છે. ખેડૂતોને ભારે નુકસાન જવાની શક્યતા છે. કારતક મહિને વરસાદી ઋતુ પાછી આવી છે. દિવાળી સુખરુપ ઉજવ્યા પછી સૌરાષ્ટ્રભરમાં શરૂ થયેલા વરસાદે ખેડૂતોની કસોટી માંડી છે. જો વરસાદની ઋતુમાં વરસાદ ન આવે તો પણ મુશ્કેલી, વધારે આવે તો પણ પડકાર અને આ તો કમોસમી કસોટી છે. કુદરત ઉપર આધારિત ખેડૂત ફરી સરકારને વીનવણી કરવા લાચાર બન્યો છે.

દિવાળીનું પર્વ પૂર્ણ થયું તેના બીજા જ દિવસથી સૌરાષ્ટ્રમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. માવઠાંમાં પણ 11 ઈંચ જેટલું પાણી વરસે, રસ્તા જળબંબાકાર થાય અને ડેમ ઓવરફ્લો થાય તે થોડું નવાઈ લાગે તેવું છે. માવઠાંના વરસાદની પણ આટલી તીવ્રતા ચિંતાજનક પણ એટલી જ છે. રાજુલા, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં તો ચોમાસાની જેમ વરસાદ પડયો છે. આ વાતાવરણની અસર જનજીવન ઉપર છે, ખેતી તેનો સૌથી વધારે ભોગ બને તે સ્વાભાવિક છે. છેલ્લા ચાર દિવસમાં પડેલા વરસાદને લીધે મગફળી, સોયાબિન, કપાસ અને ડુંગળીના પાકને નુકસાન થયું છે. ખેડૂતોની મહેનત ઉપર ખરા અર્થમાં પાણી ફરી વળ્યું છે. ખેતરમાં ઊભો પાક ન હોય તો પણ મગફળી કે કપાસના પાથરા કર્યા હોય તે પલળી ગયા છે. માર્કાટિંગ યાર્ડમાં આ જણસ પહોંચી શકી નથી. વરસાદની અસર તો કેવી કે લાભ પાંચમે શરુ થયેલા માર્કાટિંગ યાર્ડ પૈકી કેટલાક બીજા જ દિવસે બંધ કરી દેવા પડયા છે. હજી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. સોયાબિન કે કપાસને તો નુકસાન થયું છે, કેસરકેરીનો પાક પણ મોડો થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. થોડા સમય પૂર્વે સરકારે 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. ખેડૂતો આ કમોસમી વરસાદને લીધે ત્યાંના ત્યાં આવીને ઊભા છે. રાજ્ય સરકાર તાત્કાલિક સરવે કરાવે અને જરૂરી પગલાં લે તેવી માગ ઊઠી છે તે યોગ્ય છે.

મુખ્યમંત્રીએ આપેલા આદેશ અનુસાર કેટલાક મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ગુજરાતનું આ નવું મંત્રીમંડળ છે જેમાં ઘણા બિનઅનુભવી મંત્રીઓ છે. હજી તેમની પોતાની ચેમ્બરની સ્થિતિ તેઓ સમજી રહ્યા છે ત્યારે આ સંકટનો સામનો કરવાનું તેમના માટે અઘરું છે પરંતુ કેટલાક વરિષ્ટ- જાહેરજીવનના અનુભવી મંત્રીઓ પણ છે. ખેતીની સ્થિતિ વિશે સમજીને, જાણકારી મેળવીને સરકારે શક્ય તેટલું જલદી ઘટતું કરવું જોઈએ. રાહત પેકેજ, ખેડૂતોને સહાય વગેરે તો સરકારની ફરજ છે સાથે જ હવે બદલાતા ઋતુચક્ર, આવી આફતો વખતે પાક કેમ બચાવવો, ખેતીની પદ્ધતિમાં શું ફેરફાર કરવો તેની વિજ્ઞાન આધારિત જાણકારી અને જાગૃતિ ફેલાય તે દિશામાં કૃષિ વિજ્ઞાનીઓ, કૃષિ યુનિવર્સિટીઓને કામે લગાડવા જોઈએ. કુદરતી આફત ઉપર નિયંત્રણ નથી પરંતુ તેમાંથી ઉગરી શકવાનું આયોજન કે સ્થિતિ ઊભી થયા પછી રાહતની વિચારણા કરી શકાય.  

 

 

ઇ-પેપરના નવા શુલ્ક