• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

ચાબહાર પર અમેરિકી અંકુશ નહીં

અમેરિકાની છ મહિનાની છૂટ; ભારતને મોટી રાહત : નિકાસ, વેપારમાં વધારો થશે

 

નવી દિલ્હી, તા. 30 : ઇરાનમાં ભારતના ચાબહાર બંદર પર પ્રતિબંધો લાગુ નહીં થાય. અમેરિકાની ટ્રમ્પ સકારે છ મહિના માટે છૂટ આપી દીધી છે, તેવું ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. અગાઉ અમેરિકાએ કહ્યું હતું કે, 29 સપ્ટેમ્બરથી આ બંદરગાહને ચલાવવા, પૈસા આપવા કે તેના સાથે જોડાયેલા કોઇ પણ કામમાં સામેલ કંપનીઓને દંડ કરાશે.

ભારતે 2024માં ચાબહાર 10 વર્ષ માટે લીઝ પર લીધું હતું. ભારત અહીં 10 કરોડ 20 લાખ ડોલરનું રોકાણ કરશે.

ચાબહાર બંદર ભારતને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સાથે સીધો વેપાર કરવામાં મદદ કરે છે.

છ મહિનાની છૂટથી ભારતને ફાયદો એ થશે કે અફઘાન કે બીજા એશિયાઇ દેશો સુધી સામાન મોકલવા પાકિસ્તાનના માર્ગેથી જવું નહીં પડે, જેનાથી સમય અને પૈસાની બચત થશે.

ચાબહાર પરથી અનાજ, દવાઓ, ઔદ્યોગિક ઉત્પાદનો સરળતાથી બીજા દેશો સુધી પહોંચાડી શકાશે, જેના કારણે ભારતની નિકાસ, વેપાર વધશે.

ચાબહાર બંદર પાકના ગ્વાદર પોર્ટથી નજીક છે. આમ, ઇરાની બંદર ભારતને રણનીતિક રૂપે મજબૂત કરી ચીન-પાકિસ્તાની જાડાણ સામે લડવામાં મદદ કરે છે.

 

ચીન ઉપર ટ્રમ્પે ટેરિફ ઘટાડયો, ભારતને રાહત ક્યારે ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સમકક્ષ શિ જિનપિંગ વચ્ચે મુલાકાતનો ફાયદો ચીનને મળ્યો છે. અહેવાલ છે કે ટ્રમ્પે ચીન ઉપરના ટેરિફમાં 10 ટકા ઘટાડો કરવાનું એલાન કર્યું છે. ચીન પણ રશિયન ક્રૂડનું મોટું ખરીદદાર છે. તેવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારત ઉપર લાદવામાં આવેલા ટેરિફ અંગે પણ અમેરિકા દ્વારા કોઈ ઘોષણા કરવામાં આવી શકે છે. ટ્રમ્પે એક દિવસ પહેલા જ ભારત સાથે પણ એક મોટી ડીલનો સંકેત આપ્યો હતો.

બુસાનમાં જિનપિંગ સાથે બે કલાકથી વધારે ચાલેલી બેઠક બાદ ટ્રમ્પે કહ્યું હતું કે બેઠકમાં ઘણી ચર્ચા કરવામાં આવી છે. ટ્રમ્પે આગળ કહ્યું હતું કે ઘણા મહત્ત્વના મુદ્દે નિષ્કર્ષ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. તેઓ નહીં કહે કે તમામ ચર્ચા કરવામાં આવી પણ બેઠક શાનદાર રહી છે. આ સાથે સહમતિ વ્યક્ત કરવામાં આવી છે કે શિ જિનપિંગ ફેંટાનિલની રોક માટે મહેનત કરશે. સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવશે. તેમજ ચીન ઉપર ટેરિફ 57 ટકાથી ઘટાડીને 47 ટકા કરવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે દુર્લભ ધાતુની સપ્લાઈ માટે સહમતિ બની છે. આ મુદ્દો દુનિયાભર માટે છે.

 

ચીન દ્વારા નિકાસ નિયંત્રણ વર્ષ માટે સ્થગિત

 

બીજિંગ, તા. 30 : ચીને ગુરૂવારે ઘોષણા કરી હતી કે ચાલુ મહિનાની શરૂઆતમાં ઘોષિત કરવામાં આવેલા અમુક નિકાસ પ્રતિબંધો (જેમાં  રેર અર્થ મટીરિયલ્સ પણ સામેલ છે)ને એક વર્ષ માટે સ્થગિત કરશે. આ નિર્ણય વૈશ્વિક બજાર માટે રાહતભર્યો ગણવામાં આવી રહ્યો છે કારણ કે ચીન દુનિયામાં સૌથી મોટું રેર અર્થ સપ્લાયર છે. આ કદમ ચીનની રણનીતિક અને આર્થિક નીતિમાં એક અસ્થાયી નરમાશના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. જે આગામી મહિનાઓમાં વૈશ્વિક બજારની દિશા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

ચીનના વાણિજ્ય મંત્રાલયના એક પ્રવકતાએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ચીન નવમી ઓક્ટોબરના ઘોષિત સંબંધિત નિકાસ નિયંત્રણ ઉપાયની અમલવારીને એક વર્ષ માટે સ્થગિત કરશે અને આ અવધિ દરમિયાન નીતિઓ ઉપર અભ્યાસ કરીને નવું રૂપ આપવામાં આવશે.   ઉલ્લેખનીય છે કે ચીન દ્વારા નવમી ઓક્ટોબરના રોજ નવી નિકાસ નિયંત્રણ નીતિઓ લાગુ કરવાની ઘોષણા કરી હતી. જેના હેઠળ રેર અર્થ મિનરલ્સ સંબંધિત ટેક્નીક અને સામગ્રીના નિકાસ ઉપર આકરા નિયંત્રણ લાદવાના હતા. આ ધાતુઓનો ઉપયોગ ઈલેક્ટ્રિકલ વાહનો, સ્માર્ટફોન, ટર્બાઈન, રક્ષા ઉપકરણ અને સેમીકંડક્ટર જેવા ઉત્પાદનમાં થાય છે. ચીન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધથી અમેરિકા, જાપાન અને યુરોપ જેવા દેશોમાં ચિંતા વધી હતી.

જાણકારો અનુસાર ચીનનું કદમ રાજદ્વારી નરમાશ બતાવવા અને આંતરરાષ્ટ્રીય દબાણને સંતુલિત કરવાનો પ્રયાસ છે. સંભવત: ચીન જોવા માગે છે કે નિયંત્રણથી વૈશ્વિક આપૂર્તિ ઉપર કેવી અસર પડે છે અને બાદમાં જ અંતિમ નીતિ લાગુ કરશે. રેર અર્થ ઉદ્યોગ ઉપર ચીનનો 70 ટકા કન્ટ્રોલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક