પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ખૂબ વરસી રહ્યા છે અને કહે છે કે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષી વ્યાપાર કરાર અંગે સમજૂતી થઈ રહી છે. અલબત્ત - આ સમજૂતી કેવી - કેટલી થાય છે તે જોવાનું છે. અત્યાર સુધી આપણે કૃષિ ક્ષેત્ર અને ડેરી ઉદ્યોગમાં અમેરિકી ઉત્પાદનની આયાત માટે મંજૂરી આપી નથી. મકાઈ અને દૂધ ડેરી ઉદ્યોગમાં આપણા લોકોનાં હિતનો વિચાર કરવો જ પડે. ટ્રમ્પ તો પોતાના કિસાનો માટે ભારતનાં બજાર ખોલવાનો આગ્રહ કરે છે. આવી જ રીતે રશિયન તેલની ખરીદી બંધ કરવા માટે દબાણ કરે છે, પચીસ ટકા વધારાની જકાત નાખી છે. હવે આપણે રશિયન તેલની ખરીદી ધીમે ધીમે ઓછી કરી રહ્યા છીએ ત્યારે ટેરિફ - આપણા માલ ઉપર જકાત ક્યારે ઘટાડાશે તે જોવાનું છે. અલબત્ત, અત્યારે તો વ્યાપારની ગાડી પાટા ઉપર ચડી રહી હોય એમ લાગે છે.
ટ્રમ્પે
સાઉથ કોરિયાની મુલાકાત દરમિયાન મોદી સાહેબનાં ભારોભાર વખાણ કર્યાં છે. મોદી ઘણા અચ્છા
માણસ છે, સુંદર છે, એમને જોઈએ તો પિતા-તુલ્ય લાગે (અર્થાત્ માન ઊપજે) પણ તેઓ બહુ મક્કમ,
‘િકલર’ (મારકણા?) છે એમ પણ કહ્યું છે.
આમ
કહ્યા પછી પાછા યુદ્ધવિરામનો મુદ્દો છેડયા વગર ચાલે નહીં પણ મૂળ જે દાવો કરતા હતા કે
યુદ્ધવિરામ મેં કરાવ્યો તેમાં સુધારા-વધારા કર્યા છે. ‘મેં વડા પ્રધાન મોદીને કહ્યું
- અમે તમારી સાથે વ્યાપાર નહીં કરી શકીએ - તમે પાકિસ્તાન સાથે લડાઈ શરૂ કરી છે. હવે
વ્યાપાર થાય નહીં.’
હવે
ટ્રમ્પ પ્રથમ વખત કહે છે કે પાકિસ્તાનને પણ ફોન ઉપર આજ વાત કરી હતી પણ બંને દેશ મને
કહેતા હતા કે અમને લડવા દો. આખરે બંને દેશના માલ ઉપર 250 ટકા આયાત જકાત નાખવાની ધમકી
આપી આનો અર્થ એ કે વ્યાપાર થાય જ નહીં... ટ્રમ્પ હવે ભારત અને પાકિસ્તાનને એક ત્રાજવે
તોળે છે! બંને દેશ મક્કમ છે. ‘મોદી તો ગજબ છે : કહે છે અમે તો લડીશું પણ બંને દેશોએ
બે જ દિવસમાં મને કહ્યું કે અમે લડાઈ બંધ કરી છે! ગજબ છે ને? પૂર્વ પ્રમુખ બાયડન આવું
કરી શક્યા હોત?’ ટ્રમ્પ હજુ પ્રમુખપદની ચૂંટણીના મિજાજમાં છે! ત્રીજી વખત પ્રમુખપદની
ચૂંટણીમાં ઝુકાવશે એવા અહેવાલ છે પણ અમેરિકી સંવિધાનમાં આવી - ત્રીજી મુદતની છૂટ નથી
છતાં ટ્રમ્પ વિજયને વાગોળ્યા કરે છે અને વિશ્વમાં ‘શાંતિદૂત’ બનીને લડાઈ બંધ કરાવે
તો નોબેલ એવૉર્ડ મળવાનો વિશ્વાસ છે.
યુદ્ધવિરામ
માટે ભારત ઉપર દબાણ કર્યાનો દાવો એમણે કેટલી વખત કર્યો? આપણા વિપક્ષી નેતા ગણ્યા અને
ગણાવ્યા કરે છે પણ વિદેશ ખાતાના અધિકારીઓ કહે છે - ગણવાનો અર્થ નથી. અને ખુદ વડા પ્રધાન
મોદીએ ટ્રમ્પના દાવાને રદિયો આપ્યા પછી દરેક વખતે પુનરાવર્તન કરવાની જરૂર નથી પણ મોદીએ
અલગ રીતે ટ્રમ્પને સમજાવી દીધા છે.
તાજેતરમાં
વિદેશોમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના અવસર મોદીએ ટાળ્યા છે. વિદેશ યાત્રા રદ કરીને
વિદેશપ્રધાન જયશંકરને મોકલ્યા છે. મોદીની હાજરીમાં ટ્રમ્પને પાનો ચડે અને ફરીથી યુદ્ધવિરામની
દાવેદારી કરે તો એમની સાથે જીભાજોડી શોભે નહીં. ગેરહાજરીથી વધુ સજ્જડ જવાબ - રદિયો
આપ્યો છે.
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    