બિહારમાં પ્રચાર અભિયાનનો આરંભ : નીતિશનું રિમોટ કંટ્રોલ ભાજપનાં હાથમાં
નવી
દિલ્હી, તા.29: બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો ધમાકેદાર આરંભ કરતાં
કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર હુમલો બોલાવતા મુઝફ્ફરપુરની
જાહેરસભામાં કહ્યું હતું કે, જો તમે નરેન્દ્ર મોદીને કહેશો કે મત માટે નાચો તો તેઓ
મંચ ઉપર નાચશે!
આ સભામાં
રાહુલ ગાંધી રાજદનાં નેતા તેજસ્વી યાદવ સાથે મંચ ઉપર સહભાગી થયા હતાં. ઉલ્લેખનીય છે
કે, તેજસ્વી મહાગઠબંધનનાં મુખ્યમંત્રી પદનાં ચહેરા છે. રાહુલે મોદી અને મુખ્યમંત્રી
નીતિશ કુમારને નિશાને લીધા હતાં અને ભાજપ-જેડીયુનાં ગઠબંધને ગરીબો અને પછાતોને છેતર્યા
હોવાનો આરોપ લગાવ્યો હતો.
રાહુલે
કહ્યું હતું કે, મોદી યમુનાનાં નામે નાટક કરે છે. છઠમાં લોકો યમુનામાં નાહી રહ્યા હતાં
પણ મોદી સ્વિમિંગ પુલમાં હતાં. દિલ્હીમાં લોકો ગંદી યમુના નદીમાં ડૂબકી લગાવતા હતાં
ત્યારે મોદી પોતાના માટે ખાસ બનેલા તળાવમાં નહાતા હતાં. તેમને છઠ પૂજા સાથે કોઈ લેવાદેવા
નથી, તેમને બસ માત્ર મતથી મતલબ છે. તેમણે આગળ કહ્યું હતું કે, નીતિશ કુમારનાં ચહેરાનો
ફક્ત ઉપયોગ થઈ રહ્યો છે. રિમોટ કંટ્રોલ ભાજપનાં હાથમાં છે. આ ઉપરાંત રાહુલે મતચોરીનો
આરોપ પણ દોહરાવ્યો હતો અને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અને હરિયાણા પછી હવે બિહારમાં
પણ આનાં માટે પૂરી કોશિશ કરવામાં આવી રહી છે.
 
                            
                         
			   
                 
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                                                                     
                     
                                     
                                    