CCTV હેઠળ દાનની ગણતરી, સંતોની સમિતિ, કલેક્ટરને સામેલ કરવા સહિતના મુદ્દે સૂચન કર્યું
(ફૂલછાબ
ન્યૂઝ) રાજકોટ, તા.5 : સત્તાધાર જગ્યાના વિવાદમાં હવે રાજકોટનાં પૂર્વ કોર્પોરેટર અને
આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ ઝંપલાવ્યું છે. વિજયબાપુ ગુરુ જીવરાજબાપુના ગુરુ
ભાઈ તરીકે નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટે સમિતિને પત્ર લખ્યો છે. જેમાં ગીતાબેનનાં
નામ સાથે જોડીને વિવાદો થઈ રહ્યા છે તેને દૂર કરવાની નૈતિક જવાબદારી ગુરુ ભાઈ તરીકે
પોતાની હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સીસીટીવી હેઠળ દાનપેટીના દાનની ગણતરી, સિક્યુરિટી
ગાર્ડ્સને છૂટા કરી દેવામાં આવે, ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીની છૂટ આપવી, પહોંચ લઈને દાન
સ્વીકારવું, પોલીસચોકી ઊભી કરવી, જૂનાગઢ કલેક્ટરને હોદ્દાની રૂએ સામેલ કરવા અને અંતમાં
ભંડારા માટે બોલાવવા અને તેનો ખર્ચ પોતે ઉઠાવશે તેવું જણાવ્યું હતું.
નરેન્દ્રભાઈ
સોલંકીએ જણાવ્યું છે કે, છેલ્લા 4 મહિનાથી જે પ્રકારે જગ્યાની ગાદી ઉપર વિવાદ ચાલી
રહ્યો છે તેને શાંત કરવો જરૂરી છે. આ વિવાદને કારણે સતાધાર જગ્યાની આસ્થા, શ્રદ્ધા
તેમજ દરેક સનાતન ધર્મના લોકોને ખૂબ જ મોટી ઠેસ પહોંચે છે. જેથી ફરજના ભાગરૂપે મેં વિજયબાપુને
પત્ર લખ્યો હતો. જેનો અલગ જ અર્થ કાઢીને વિજયબાપુએ તે પત્ર મીડિયામાં જાહેર કર્યો છે.
જેથી મારે પણ સામે આવવું પડયું અને પ્રતિક્રિયા આપવી પડી છે.
વિજયબાપુએ
પોતાની સામે થયેલા આક્ષેપો અંગે ખુલાસો કરવો જોઈએ પરંતુ તેઓ કોઈને કોઈ રીતે પાપમાં
ભાગીદાર હોય તેમ વાતને ગોળગોળ ઘુમાવ્યા કરે છે. જેથી હવે સતાધારની જગ્યાનાં રક્ષણ માટે
મારે પણ લડાઈ લડવી પડે તેમ છે. આપાગીગા અને સતાધારની જગ્યા શામજીબાપુ, જીવરાજબાપુની
પરંપરા મુજબ ચલાવવી જોઈએ. જેથી સતાધારની જગ્યામાં ચાલતી ગેરપ્રવૃત્તિઓ, વ્યભિચાર, આર્થિક
દુવ્યવહારો સામેની આ લડાઈ છે.