• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ચાંગોદરમાંથી કોલ સેન્ટર ઝડપાયું

પાંચ શખસ રૂ.31.66 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

શેરબ્રોકર તરીકે ઓળખ આપી રોકાણ કરવાના બહાને કળા કરતા’તા

રાજકોટ, તા.પ : ચાંગોદરના મોરૈયા વિસ્તારમાં ગેરકાયદે કોલ સેન્ટર ધમધમતું હોવાની બાતમીના આધારે એસએમસીના સ્ટાફે દરોડો પાડી સૂત્રધાર સહિત પાંચ શખસને ઝડપી લીધા હતા અને રોકડ,19 મોબાઈલ, કાર સહિત રૂ.31.66 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ

ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના ચાંગોદરમાં મોરૈયા વિસ્તારમાં સેપન વીલા સોસાયટીમાં શેરબજારમાં રોકાણ કરવાથી ઉંચું વળતર અપાવવા સહિતની લાલચ આપી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી નાણા પડાવવાનો કારસો કરવામાં આવતો હોવાની બાતમીના આધારે એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામળીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જી.આર.રબારી તથા સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસે દરોડા દરમિયાન સૂત્રધાર મહેસાણાના વડનગર ગામના સંજયજી રણજીતજી ઠાકોર તેમજ સાગરીતોમાં મહેસાણાના દિલીપકુમાર નરેશજી ઠાકોર, લક્ષ્મણજી રણજીતજી ઠાકોર, વિપુલજી રણજીતજી ઠાકોર અને રાહુલજી ભરતજી ઠાકોરને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.પપ હજારની રોકડ, રૂ.1.11 લાખની કિંમતના 19 મોબાઈલ, ચાર ચાર્જર, રૂ.30 લાખની કાર સહિત રૂ.31.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સૂત્રધાર સંજય ઠાકોર અને તેના સાગરીતો દ્વારા લોકોને ફોન કરી શેરબ્રોકર તરીકે ઓળખ આપવામાં આવતી હતી અને બાદમાં લોકોને શેરબજારમાં રોકાણ કરાવા માટે સમજાવવામાં આવતા હતા અને શરૂઆતમાં ગ્રાહકો સાથે વિશ્વાસ વધારવા માટે સારું વળતર આપતા હતા. જો કે એકવાર ગ્રાહકો વધુ સારા વળતર મેળવવા માટે મોટી રકમનું રોકાણ કરે તો સૂત્રધાર સહિતની ટોળકી સંદેશા વ્યવહાર બંધ કરી અને રોકાણ કરેલ ભંડોળ પરત કરવાનો ઈનકાર કરી ઠગાઈ કરતા હતા. પોલીસે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક