હવામાનમાં
મોટાં બદલાવ આવે અને જીરુંને નુક્સાન થાય તો માનસ પલટાય: નિષ્ણાતો
રાજકોટ,તા.4:
(ફૂલછાબ ન્યૂઝ) જીરુંના ભાવ લાંબા સમયથી સાડા ચાર હજાર રૂપિયાના મથાળે સ્થિર થઇ ગયા
છે. સીઝનના આરંભે સટ્ટાકીય તેજીનો એક ચમકારો થયા પછી ભાવ પડી જતા કિસાનોમાં ભારે નિરાશા
છે. જોકે તેજી માટે હજુ પણ લાંબો સમય રાહ જોવી પડે એવી સ્થિતિ છે. ગુજરાત અને રાજસ્થાનમાં
ચાલુ વર્ષે પણ વાવેતર ખૂબ સારાં થયા છે એટલે નવા પાકમાં બગાડ થાય કે ઉતારા એકદમ ઘટી
જાય તો જ તેજીનું કારણ બનશે તેમ ઉંઝાના વેપારીઓએ કહ્યું હતુ.
એક
અગ્રણીએ વાતચીતમાં જણાવ્યું કે, પાછલું વર્ષ રેકોર્ડબ્રેક વાવેતરનું હતુ એટલે એની તુલનાએ
વિસ્તાર ઘટે એ સ્વાભાવિક છે. પરંતુ સરેરાશ કરતા સવાયા વાવેતર થયા છે એનાથી તેવું ફલિત
થાય છે કે કિસાનોને સાડા ચાર હજાર આસપાસના ભાવ આકર્ષક લાગે છે. વાવેતર વિસ્તાર ગુજરાતમાં
વધ્યો છે, રાજસ્થાનમાં પણ ગયા વર્ષની માફક સારું વાવેતર છે. જે હાલ તો મંદીસૂચક છે.
છતાં ઉભા પાકમાં કુદરતી કારણસર બગાડ થાય, પાકમાં રોગ-જીવાત આવે અને ઉત્પાદન ઘટવાના
સંજોગ પેદા થાય તો માનસ પલટાતા ઉછાળો આવી શકે છે. જોકે મોડાં વાવેતરમાં ઉતારાના પ્રશ્નો
સર્જાતા હોય છે, જો એમ બને તો પણ પાક વાવેતરની સરખામણીમાં ઓછો આવી શકે.
તેમણે
ઉમેર્યુ કે, 15-20 ફેબ્રુઆરી સુધી વાતાવરણ સ્વચ્છ અને સારું રહે અને ખાસ કરીને ઠંડી
પડે એટલે જીરુંના પાકને બાદમાં ખાસ કોઇ સમસ્યા રહેશે નહીં. માવઠાં કે એકાએક ગરમી શરૂ
થઇ જાય તો ઉતારામાં મુશ્કેલી પડશે. તેજી પણ એના આધાર પર નક્કી થશે માટે હવે કુદરતની
ભૂમિકા અગત્યની થતી જાય છે.
ઉંઝાના
એક નિકાસકાર કહે છેકે, ચાલુ સીઝનમાં 1 કરોડ 10 લાખ ગુણીનું ઉત્પાદન થયું છે. એ પૈકી
આશરે 80 લાખ ગુણીની આવક સંપન્ન થઇ ચૂકી છે. નવો માલ આવે ત્યાં સુધીમાં વધુ 10 લાખ ગુણી
વપરાઇ જાય તો આશરે 20-25 લાખ ગુણીનો સ્ટોક પુરાંત તરીકે નવી સીઝનમાં આવશે. એ જોતા માલની
ખેંચ સર્જાવાની સંભાવના નહીવત છે.
તેમના
કહેવા પ્રમાણે આ વર્ષે નીચાં ભાવને લીધે નિકાસ બજાર ખૂબ જ પ્રોત્સાહક રહી છે. નિકાસના
કામકાજો ઘણા સારાં થયા છે પણ બજારને તે ટેકો આપી શકે તેમ નથી. મોસમ જીરુંના પાક માટે
અતિ મહત્વની બનશે તેમ તેમણે ઉમેર્યું હતુ. ઉંઝામાં જીરુંની આવક 9થી 10 હજાર ગુણી વચ્ચે
થઇ રહી છે. જીરુંના ભાવ રૂ. 4000-4500 વચ્ચે ચાલે છે.
---