• રવિવાર, 13 જુલાઈ, 2025

અમદાવાદ પ્લેન ક્રેશની સાઇટ પર હજુ પણ કાટમાળ યથાવત્

અઅઈંઇ સહિતની એજન્સીઓ તપાસ કરી રહી હોવાથી છેલ્લા એક માસથી સાઇટ પર બંદોબસ્ત

અમદાવાદ, તા.12 : અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક માસ પૂર્ણ થયુ છે છતાં હજુ પણ કાટમાળ યથાવત રહ્યો છે. સમગ્ર ઘટનાસ્થળને કોર્ડન કરીને રાઉન્ડ ધી ક્લોક પોલીસને હાજર રાખવામાં આવી રહી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી)ની ટીમ હજુ પણ આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે તેમને તમામ પુરાવા યથાવત સ્થિતિમાં મળી રહે તે માટે પોલીસ બંદોબસ્ત યથાવત રખાયો છે. હજુ પણ સાઇટ પર કોઇને પ્રવેશ આપવામાં આવતો નથી. તમામ તપાસ એજન્સીઓની તપાસ પૂરી થઇ જાય ત્યાં સુધી આ બંદોબસ્ત યથાવત્ રહેશે.

હાલ વિમાનના કાટમાળને અમદાવાદ એરપોર્ટ ખાતે સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યો છે. સુપર સ્પેશીયાલિટીના પીજી રેસિડેન્ટ ડોક્ટરો- પરિવાર માટેની હોસ્ટેલ બિલ્ડિંગ તપાસને લઈને હજુ પણ કોર્ડન કરી બંધ રાખ્યું છે. આજે પણ સમગ્ર દુર્ઘટના સ્થળ પર  પોલીસ બંદોબસ્ત યથાવત્ છે અને તપાસ એજન્સીઓ સિવાય કોઇને એન્ટ્રી આપવામાં આવતી નથી. અહીં નોંધવું ઘટે કે, દુર્ઘટના થઇ અને મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી, સ્વજનોના ડીએનએ માટે સેમ્પલ લેવાની કામગીરી ચાલતી હતી ત્યારે સિવિલ અને આઇજીપી કેમ્પસમાં કુલ એક હજાર પોલીસકર્મીઓનો બંદોબસ્ત રાઉન્ડ ધી ક્લોક રહેતો હતો.

પ્લેન ક્રેશ બનાવમાં અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે 100 મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ મોબાઇલ ફોન એફએસએલમાં મોકલવાની સાથે સાથે પોલીસે કુલ 95 લોકોના નિવેદન નોંધ્યા છે. આ બનાવની તપાસ નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પી. વી. ગોહિલ કરી રહ્યા છે. એક માસના સમયમાં હાલ સુધીમાં બનાવ સ્થળની આસપાસ રહેલા 40 લોકોના નિવેદન પોલીસે નોંધ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક