નવીદિલ્હી, તા.12: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો ન્યાયની માગ કરી રહ્યા છે. આમાંથી ઘણા પરિવારોએ વળતર માગવાનું નક્કી કર્યું છે, જ્યારે એક પરિવારે કહ્યું છે કે તેઓ બોઇંગ સામે દાવો માંડશે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે 10 જુલાઈ સુધી તેણે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 92 પરિવારોને વળતર આપ્યું છે અને અન્ય 66 લોકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે. આ અકસ્માતમાં કાર્ગો મોટર્સ અમદાવાદ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને નિર્દેશક નંદા, તેમના પત્ની નેહા અને નાના પુત્ર પ્રયાસનું પણ મોત થયું હતું. ચીફ નંદા નાટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં તેમના મોટા પુત્ર પ્રથમ(22)ના પદવીદાન સમારંભમાં ભાગ લેવા માટે લંડન જઈ રહ્યા હતા. તેમનાં નાના ભાઈ પ્રણવ નંદાએ કહ્યું છે કે, ‘આવું કેમ થયું? તેઓ બ્લેક બોક્સ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. અમેરિકન કાયદા કંપનીઓ દ્વારા એરલાઇન અને વિમાન કંપની સામે આ કેસ કરવા માટે અમારો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ અમે હજુ સુધી તેમનો જવાબ આપ્યો નથી. અમદાવાદ સ્થિત ઉદ્યોગસાહસિક તૃપ્તિ સોનીએ અકસ્માતમાં પોતાના ભાઈ સ્વપ્નિલ (45), પત્ની યોગ (44) અને તેની સાળી અલ્પા (55)ને ગુમાવ્યા હતાં. તેણે કહ્યું છે કે, અમે અમેરિકાની કાનૂની ટીમની મદદથી બોઇંગ પર દાવો કરવા જઈ રહ્યા છીએ. અમે વિમાન દુર્ઘટનાના પીડિતો વતી આવા કેસો લડનાર કાનૂની પેઢી સાથે આ બાબતે ચર્ચા કરી છે. સોનીના પરિવારે એર ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ વળતર દાવાનું ફોર્મ જમા કરાવ્યું નથી.