• શનિવાર, 25 એપ્રિલ, 2026

સૌરાષ્ટ્ર-કચ્છના અનેક બંદરો પર ઇ-વિઝાથી પ્રવાસનમાં વૃદ્ધિ થશે

અલંગ, બેડી, ભાવનગર, હજીરા, માંડવી અને પીપાવાવનો સમાવેશ

 

રાજકોટ, તા. 24 (ફૂલછાબ ન્યૂઝ)  : કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશના વધુ 14 જેટલા બંદરો પર ઇમિગ્રેશન ચેકપોસ્ટ બનાવીને ઇ વિઝા માટે છૂટછાટ આપી છે. એમાં ગુજરાતના અલંગ, બેડી, ભાવનગર, પોરબંદર, હજીરા, માંડવી અને પીપાવાવનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંદરોના ઉમેરાથી ભારતના ઇમિગ્રેશન નેટવર્કનો વધુ વિસ્તાર થયો છે, જોકે એનો સૌથી વધારે ફાયદો ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને થવાની સંભાવના છે. વિદેશથી આવતા લોકો સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના પ્રવાસનનો ફાયદો મેળવી શકશે. અત્યારે સમુદ્ર, જમીન, રેલ અને નદી બંદરો પર ભારતમાં કુલ 114 જેટલી ઇ ચેકપોસ્ટ છે. 37 બંદરનો એમાં સમાવેશ છે. જોકે ઇ વિઝા ધારકો ફક્ત 32 પસંદગીના એરપોર્ટ અને 33 પસંદગીના બંદરો દ્વારા જ ભારતમાં પ્રવેશી શકે છે. રાજકોટના એક ટૂર ઓપરેટરે જણાવ્યું કે, ભારતની વિશ્વના અન્ય દેશો સાથેની કનેક્ટિવિટીમાં વધારો થવાથી સરવાળે ક્રૂઝ ટૂરિઝમને ફાયદો મળશે. વિદેશથી આવતા નાગરિકો સૌરાષ્ટ્ર અને કચ્છનો અમૂલ્ય વારસો સરળતાથી નિહાળી શકશે. આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ ફાયદો મળી શકે છે. હવે કચ્છનું રણ પણ વિદેશી સહેલાણીઓ સરળાથી માણી શકશે. દર વર્ષે શિયાળામાં યોજાતા રણોત્સવમાં વિદેશી મુસાફરોની સંખ્યા વધી શકે છે. વિઝાની અરજી-પ્રક્રિયાનો સામનો કર્યા વિના મળતા ઇ વિઝા વિદેશી લોકોનો સમય બચાવશે. ગુજરાતમાં હજીરા અને પીપાવાવ બંદરો કદમાં મોટાં છે. અલંગમાં જહાજો તોડવાનો ઉદ્યોગ ચાલે છે એમાં અન્ય મહાબંદરો જેટલો ટ્રાફિક હોતો નથી. અલંગમાં એ રીતે સગવડ વધી છે. બેડી બંદર જામનગર અને રાજકોટના પ્રવાસનમાં મદદરૂપ થશે. પોરબંદરમાં પણ સગવડ વધી છે. માંડવીને લીધે હવે સાંસ્કૃતિક વારસો ધરાવતા કચ્છમાં વધુ પ્રવાસીઓ બહારથી સમુદ્રમાર્ગે આવી શકશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

જોકે ભારતમાં જવાહરલાલ નેહરુ બંદર, નાહવા શેવા સૌથી મોટાં કન્ટેઇનર બંદર છે ત્યાં હજુ સામાન્ય વિઝાની જ જરુર પડે છે. ઇ વિઝા ચાલી શકતા નથી. ચેન્નઇ, કોલકાતા, કોચીન, વિશાખાપટ્ટનમ અને ગોવાનું મોર્મુગાઓ પણ આ રીતે પરંપરાગત વિઝા હેઠળ જ છે. ગોવામાં વિદેશી સહેલાણીઓ ખૂબ આવે છે અને મોર્મુગાઓ તે માટે આદર્શ બંદર બની શકે છે પણ તેને ય ઇ વિઝા માટે મંજૂરી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક