ઉપલેટા, તા.24: ઉપલેટા પંથકની એક તેજસ્વી વિદ્યાર્થિનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે અસાધારણ સફળતા પ્રાપ્ત કરીને ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે. આ દીકરીએ સી.બી.એસ.ઈ. બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 99.98 ટકા જેવો ઝળહળતો સ્કોર મેળવ્યો છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરવાની વિશિષ્ટ સિદ્ધિ સામેલ છે. શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત લેખન અને વાદ-વિવાદ સ્પર્ધામાં અનેક સુવર્ણ અને રજત ચંદ્રકો જીતનાર આ પ્રતિભાશાળી યુવતીની પ્રતિભાને પારખીને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેને ‘નશીલા દ્રવ્યો અને ગુના નિયંત્રણ સમિતિ’ના મુખ્ય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આટલી નાની ઉંમરે આવી વૈશ્વિક સંસ્થામાં આટલું પ્રતિષ્ઠિત પદ મેળવવું એ સમગ્ર શિક્ષણ જગત માટે ગૌરવની વાત છે.
વલ્લભ
વિદ્યાલયના નિવૃત્ત આચાર્ય મકવાણા સાહેબની દોહિત્રી ઈશાંશીની આ વૈશ્વિક સિદ્ધિઓને પગલે
લંડન અને ન્યૂયોર્કની પ્રખ્યાત યુનિવર્સિટીઓ દ્વારા તેનું બહુમાન કરવામાં આવ્યું છે.
લંડનની જગવિખ્યાત ઇમ્પિરિયલ યુનિવર્સિટીએ રસાયણ વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ માટે સમગ્ર ભારતમાંથી
માત્ર ઈશાંશીની પસંદગી કરી છે, જે તેની બૌદ્ધિક ક્ષમતાનો પુરાવો આપે છે. આ ઉપરાંત,
ન્યૂયોર્કની પ્રતિષ્ઠિત સ્કોલર સંસ્થાએ પણ તેને ખાસ મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું
છે. દુબઈની ઇન્ડિયન પબ્લિક સ્કૂલ દ્વારા પણ તેને સન્માનિત કરવામાં આવનાર છે. એક નિવૃત્ત
આચાર્યના પરિવારની દીકરીએ મેળવેલી આ ભવ્ય સફળતાથી ઉપલેટા પંથક અને તેના પરિવારમાં હર્ષની
હેલી જોવા મળી રહી છે.