રાજયના 9 શહેરમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ : બપોરના સમયે રસ્તાઓ પર ‘કર્ફ્યૂ’ જેવો માહોલ
રાજકોટ
તા.24 : ગુજરાતમાં ઉનાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના
શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને
સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેના કારણે આજે અમરેલી અને રાજકોટમાં
તાપમાન 43 ડિગ્રીને પાર કરી જતાં પ્રચંડ ગરમીનો અનુભવ થયો હતો.
રાજ્યમાં
આજે પવનોની દિશા બદલાતા અને સૂકા પવનો ફૂંકાવાને કારણે તાપમાનમાં તાતિંગ વધારો જોવા
મળ્યો છે. ખાસ કરીને અમરેલીમાં 43.3 અને રાજકોટમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાતા બપોરના
સમયે રસ્તાઓ પર ‘કર્ફ્યુ’ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ 42.1 ડિગ્રી સાથે ગરમીએ બેચેની વધારી દીધી છે. કાળઝાળ ગરમીને
કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા
ટૂ-વ્હીલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને લૂથી બચવા મથામણ કરી રહ્યા
છે.
અમરેલી
: અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે વાતાવરણ પણ ગરમ થતું હોય તેમ ચાલું
ઉનાળાની સિઝનમાં સૌથી વધુ પ્રથમ વખત તાપમાન 43.3 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો વૈશાખ
મહિનાની બપોરનાં આકરા તાપમાનથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આજે બપોરનાં ચાલુ ઉનાળાની
સિઝનમાં સૌથી વધુ પ્રથમ વખત તાપમાન 43.3 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો કામ વગર ઘર કે
ઓફિસ બહાર નીકળવાનું ટાળતાં મુખ્ય બઝાર તથા રસ્તાઓ સુમસામ ભાસતા હતા. આવતીકાલે રવિવારે
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે આવા આકરા તાપમાં વધુમાં વધુ
મતદાન થાય તે માટે પ્રયાસો કરવા પડશે.