2021ના કેસમાં જિલ્લા અદાલતે આપેલા ચુકાદામાં પ્રત્યેકને બે લાખનો દંડ પણ ફટકારાયો
ભુજ,
તા. 24 : ભારતીય જળસીમાનો ઉપયોગ કરી દેશમાં ગેરકાયદેસર રીતે 380 કરોડનો હેરોઈનનો જથ્થો
ઘુસાડવાની પેરવા કરતાં છ પાકિસ્તાની આરોપી ઝડપાયા હતા. ડિસે. 2021ના આ કેસમાં આરોપીઓ
મોહમદ ઈમરાન મોહમ્મદ તારીક વાઘેર, દાનિશ મોહમ્મદ હુશેન કચ્છી વાઘેર, સાગર મોહમ્મદ કચ્છી
વાઘેર, ઈસ્માઈલ ઈબ્રાહીમ બડાલા, મોહમદ સાજીદ મોહમ્મદ હુશેન યાકુબલાલા કુંગરા અને અશ્ફાક
મોહમ્મદ ઈશાક વાઘેરને જિલ્લા અદાલતે 20 વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને રૂા. બે
લાખનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
ડિસેમ્બર-2021ના
આ કેસમાં પાકિસ્તાનના કરાચી બંદરેથી અલ હુશેની બોટમાં ગેરકાયદે માદક પદાર્થ હેરોઈનનો
જથ્થો જખૌના દરિયાકાંઠે ડિલિવરી કરાશે તેવી પૂર્વ?બાતમીના આધારે ગુજરાત એટીએસએ હાથ
ધરેલી કાર્યવાહીમાં શંકાસ્પદ બોટ ઝડપી લેવાઈ હતી, જેમાં મોહમદ ઈમરાન મોહમ્મદ તારીક
વાઘેર, દાનિસ મોહમ્મદ હુશેન કચ્છી વાઘેર, સાગર મોહમ્મદ કચ્છી વાઘેર, ઈસ્માઈલ ઈબ્રાહીમ
બડાલા, મોહમદ સાજીદ મોહમ્મદ યાકુબલાલા કુંગરા અને અશ્ફાક મોહમ્મદ ઈશાક વાઘેરની અટક
કરાઈ હતી.
પકડાયેલા
પાકિસ્તાનીઓની બોટમાં પાંચ થેલા મળી આવ્યા હતા, જેમાંથી રૂા. 3,84,68,00,000નો
76936 ગ્રામનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.
અદાલતે
તમામ પુરાવાનું યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યું હતું અને આરોપીઓએ ભારત દેશના યુવાનોને
નિશાન બનાવવા સાથે તેમને ડ્રગ્સના વ્યસની બનાવવાનું કાવતરું રચ્યું હોવાનું તારણ આપ્યું
હતું અને આરોપીઓને દોષી ઠેરવ્યા હતા.
છઠ્ઠા
અધિક સેશન્સ અને સ્પે. એનડીપીએસ અદાલતના જજ વી.એ. બુદ્ધએ રજૂ કરાયેલા 203 દસ્તાવેજી
પુરાવા તથા 13 સાક્ષી તપાસી આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેક આરોપીને
રૂા. બે લાખનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં
સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ. બી. જાડેજાએ હાજર રહી દલીલ કરી હતી.