• સોમવાર, 15 જૂન, 2026

સૌરાષ્ટ્રમાં 25 જૂનથી 2 જુલાઈ સુધીમાં વાવણીલાયક વરસાદની આગાહી

જુલાઈમાં અતિવૃષ્ટિ થશે અને સરેરાશ 55થી 60 ઇંચ વરસાદ પડવાથી સૌરાષ્ટ્રના ડેમો છલકાઈ જશે : આગાહીકાર રમણીકભાઈ વામજા

(ફૂલછાબ ન્યુઝ)

જૂનાગઢ તા.14 : સૌરાષ્ટ્રમાં આગામી સપ્તાહથી મેઘરાજાનો પ્રવેશ થશે, તારીખ 25 જૂનથી 2 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવણી થશે અને આગામી વર્ષ 16 આની રહેશે તેમ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય અને વંથલીના આગાહીકાર રમણીકભાઈ વામજાએ  જણાવ્યું છે.

 ખગોળવિદ્યા, ભડલી વાક્ય, સૂર્યનારાયણની હિલચાલ અને 27 નક્ષત્રના આધારે વર્ષોથી વરસાદનું પૂર્વાનુમાન કરતા રમણીકભાઈ વામજાએ વધુમાં જણાવ્યું કે આગામી તારીખ 16 થી 20 સુધી અમરેલી જિલ્લામાં અમુક જગ્યાએ વરસાદ પડશે. જ્યારે તારીખ 25 જૂનથી બે જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. તારીખ 8 થી 10 જુલાઈ પવન સાથે સારો વરસાદ તેમજ તારીખ 19 થી 21 જુલાઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નદી નાળાઓમાં નવા નીર આવશે.

જયારે 21 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, દિલ્હી,પંજાબમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ તારીખ 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર ગાજવીજ સાથે બપોર બાદ વરસાદ આવશે. ઉપરાંત ગાંધી જયંતિ બીજી ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર હાથીયા નક્ષત્રમાં પવન સાથે વાવાઝોડું તેમજ નવરાત્રીમાં પવન સાથે વરસાદ આવવાનું પૂર્વાનુમાન કરાયું છે.

આકાશી કસ, આકાશી ચીતરી, બારેમાસની પૂનમ, વનસ્પતિ, હુતાસણીનો તથા અખાત્રીજનો પવન, રાફડાની જમીન ઉપર કોરામણ, ચૈત્ર માસના દનીયા, ગરમીના આધારે પૂર્વાનુમાનમા આગામી વર્ષ ખેડૂતો માટે સારું રહેશે. વેપારીઓ માટે મંદીનો સામનો કરવો પડશે, રાજસ્થાન બોર્ડર પર તીડ પક્ષી આવશે, ઉંદરનો ત્રાસ રહેશે. જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે. સરેરાશ 55થી 60 ઇંચ વરસાદ પડવાની આગાહી કરાય છે પરિણામે સૌરાષ્ટ્રના ડેમો છલકાઈ જશે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક