- 16થી 20 ફેબ્રુઆરીના યોજાનારી સમિટમાં 100થી વધારે દેશ થશે સામેલ
નવી દિલ્હી,
તા. 14 ઃ ભારત 16થી 20 ફેબ્રુઆરી સુધી એઆઈ ઇમ્પેક્ટ સમિટની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ ગ્લોબલ સમિટમાં
100થી વધારે દેશ સામેલ થવાના છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પોલિસી, ઇનોવેશન, એથિક્સ, સિક્યોરિટી
અને વૈશ્વિક સહકાર જેવા મહત્ત્વના વિષય ઉપર મંથન કરવામાં આવશે. જો કે આ સમિટ માટે પાકિસ્તાનને
આમંત્રણ આપવામાં આવ્યું નથી. જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે. આ સંમેલનમાં
ત્રણ મૂળભૂત સૂત્ર - પીપલ (લોકો),
પ્લાનેટ (પૃથ્વી) અને પ્રોગ્રેસ (પ્રગતિ) ઉપર આધારીત છે.
સૂત્રો અનુસાર સમિટમાં ભાગ લેનારા દેશોની પસંદગી રણનીતિ અને
નીતિગત માપદંડના આધારે કરવામાં આવી છે. ભારતનું ધ્યાન એવા દેશો સાથે સહયોગ વધારવા ઉપર
છે જે જવાબદાર,
સુરક્ષિત અને માનવ કેન્દ્રિત એઆઇ વિકસીત કરવાના દૃષ્ટિકોણનું
સમર્થન કરે છે. આ સમિટ ટેકનિકનાં માધ્યમથી વૈશ્વિક પડકારનું સમાધાન શોધવા ઉપર કેન્દ્રિત
રહેશે.
પીએમ મોદીનાં વ્યક્તિગત નિમંત્રણ ઉપર ઘણા દેશના રાષ્ટ્રાધ્યક્ષો
અને સરકારના પ્રમુખ સમિટમાં ભાગ લેશે. યુરોપ, અમેરિકા, એશિયા પેસિફિક, આફ્રિકા
અને ખાડી દેશથી આવનારા શીર્ષ નેતા મંચ ઉપર એઆઈનાં ભવિષ્ય, વૈશ્વિક
માપદંડ અને સહયોગના રસ્તા ઉપર વિચાર વિમર્શ કરવાના છે. આ ઉપરાંત 45થી વધારે
દેશ સાથે મંત્રીસ્તરીય પ્રતિનિધિમંડળની ભાગીદારી નક્કી છે. જેનાથી આ સંમેલન હકીકતમાં
વૈશ્વિક મંચનું સ્વરૂપ લેશે. યુનો મહાસચિવ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનના અધિકારીઓ
પણ સમિટમાં સામેલ થવાની સંભાવના છે.
ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે એઆઈ ઇમ્પેક્ટ સમિટનો હેતુ
માત્ર ટેકનિકનું પ્રદર્શન નહીં પણ નીતિ નિર્માણ, રોકાણ, સ્ટાર્ટઅપ
ઇકોસિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય માપદંડ ઉપર સહયોગ સ્થાપિત કરવાનું છે. સમિટ દરમિયાન મંત્રી
સ્તરનાં સત્ર, વિશેષજ્ઞ પેનલ,
સ્ટાર્ટઅપ શોકેસ અને દ્વિપક્ષીય બેઠકોનું પણ આયોજન કરવામાં આવશે.
જો કે પાકિસ્તાનને આમંત્રણ ન આપવા અંગે સત્તાવાર રીતે કોઈ વિસ્તૃત કારણ સાર્વજનિક કરવામાં
આવ્યું નથી.