- ફર્સ્ટ ક્લાસ અને એસી કોચ જેવી જ સફાઈ જનરલ કોચમાં થશેઃ બાવન અઠવાડિયામાં બાવન સુધારા માટે રેલવેની નેમ
નવી દિલ્હી,
તા.14ઃ ભારતીય રેલવે તરફથી કરોડો મુસાફરો માટે મોટું રાહતનું અને સ્વાસ્થ્યપ્રદ પગલું
લેવાયું છે. અત્યાર સુધી માત્ર ફર્સ્ટ ક્લાસ અને એસી કોચમાં જ સફાઈ સારી રહેતી હતી, પરંતુ જનરલ
કોચમાં મુસાફરો ગંદકી અને દુર્ગંધ સાથે મુસાફરી કરવા મજબૂર હતા. હવે આ સ્થિતિ બદલાવાની
છે. સફાઈના મામલે હવે આવો કોઈ ભેદભાવ જોવામાં નહીં આવે. સુધારા યોજના 2026માં આ સુધારો
હાથ ધરવામાં આવ્યો છે અને તેની સીધી રાહત યાત્રીઓને સ્વચ્છતાનાં રૂપમાં મળશે.
રેલવેએ એક વ્યાપક યોજના ઘડી કાઢી છેઅ ને તેમાં આગામી એક વર્ષનાં
પ2 સપ્તાહમાં બાવન મોટા સુધારા કરવામાં આવશે. અભિયાનની શરૂઆત સફાઈથી થઈ રહી છે. રેલ
મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યા અનુસાર ટ્રેનના દરેક કોચની સફાઈ હવે મુસાફરી દરમિયાન
જ કરવામાં આવશે અને જનરલ કોચને પ્રાથમિકતા આપવામાં આવી છે.
અગાઉ જનરલ કોચ અન્ય કોચ સાથે જોડાયેલા ન હોવાથી સફાઈ કર્મચારીઓ
ત્યાં પહોંચી શકતા નહોતા. હવે સ્ટેશન પર ટ્રેન રોકાય ત્યારે સફાઈ સ્ટાફ નીચે ઉતરી જનરલ
કોચમાં જઈ ટોયલેટ,
કચરાપેટી અને સમગ્ર કોચની સફાઈ કરશે. આરંભિક ધોરણે દરેક ઝોનમાં
4-5 ટ્રેનો પસંદ કરવામાં આવી છે અને પછી ધીમે-ધીમે 80 ટ્રેનોના
સમૂહમાં આ અભિયાન અમલમાં આવશે.
સફાઈને વધુ હાઈ-ટેક બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો
ઉપયોગ થશે. સફાઈ પછી કોચની તસવીરો સીધી કન્ટ્રોલ રૂમમાં મોકલાશે, જ્યાં એઆઈ
આધારિત સિસ્ટમ તપાસ કરશે કે ધોરણ મુજબ સફાઈ થઈ છે કે નહીં. ખામી જોવા મળે તો સંબંધિત
વેન્ડર અથવા કોન્ટ્રાક્ટર પર તરત કાર્યવાહી થશે. ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ માત્ર શ્રેષ્ઠ
ક્લાનિંગ સ્ટાન્ડર્ડ ધરાવનાર સંસ્થાઓને જ આપવામાં આવશે. વ્યસ્ત સમયમાં વધારાનો સ્ટાફ
અને રૂટ પ્રમાણે ટીમો તૈનાત કરાશે.
માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, રેલવેની
આવક અને માલ પરિવહન (કાર્ગો) માટે પણ મોટા પગલાં લેવામાં આવ્યા છે. ગતિશક્તિ કાર્ગો
ટર્મિનલ્સ માટે કોન્ટ્રાક્ટ સમયમર્યાદા 35 વર્ષથી વધારી 50 વર્ષ કરી દેવામાં આવી છે,
જેથી રોકાણકારોમાં વિશ્વાસ વધે અને લાંબા ગાળાની સ્થિરતા રહેશે.
છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં 124 કાર્ગો ટર્મિનલ તૈયાર થયા છે,
જેના કારણે રેલવેને 20,000 કરોડની આવક મળી છે. સરકારનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં 500 કરતા વધુ
ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવાનું છે. નવા સુધારા અનુસાર આગામી ત્રણ વર્ષમાં અંદાજે
30,000 કરોડની વધારાની આવક થશે.