• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

નિખિલ ગુપ્તાએ કબૂલી લીધો પન્નૂની હત્યાનાં કારસાનો ગુનો !

- અમેરિકામાં 20 વર્ષની સજા સંભવ ઃ ગુપ્તાએ જેને પન્નૂની સોપારી આપી એ હતો અમેરિકાનો ગુપ્ત અધિકારી

 

 

 

નવી દિલ્હી, તા.14ઃ શીખ અલગતાવાદી આગેવાન અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાનાં કાવતરાંમાં એક મોટો વળાંક આવ્યો છે. અમેરિકાની જેલમાં કેદ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ કબૂલ્યું છે કે તેણે ન્યૂયોર્ક શહેરમાં રહેતા કુખ્યાત આતંકી પન્નૂની હત્યા કરાવવાની સાજિશ રચી હતી.

આજે મેનહેટનની ફેડરલ કોર્ટમાં નિખિલ ગુપ્તાએ પન્નૂની હત્યાનાં કાવતરા સંબંધિત ત્રણ આરોપોમાં પોતાનો દોષ સ્વીકારી લીધો છે. તેની આ કબૂલાત બાદ અમેરિકાના સંઘીય પ્રોસિક્યુટરે વિદેશમાં બેઠેલા એવા તમામ તત્વોને કડક ચેતવણી આપી છે, જે અમેરિકાની અંદર કોઈ વ્યક્તિને નિશાન બનાવવાનાં કારસા રચી

શકે છે.

અમેરિકાના એટર્ની જે ક્લેટને પોતાનાં એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમનો સંદેશ પ્રત્યેક એવા વિદેશી તત્ત્વો માટે સાફ હોવો જોઈએ જે અમેરિકા સામે કોઈપણ પ્રકારની અપરાધિક ગતિવિધિ કરે છે. અમેરિકા અને અમેરિકાનાં લોકોથી દૂર રહેવું.

ન્યૂયોર્ક સ્થિત એફબીઆઈ કાર્યાલયનાં અધિકારી જેમ્સ સી. બાર્નકલ જુનિયરે કહ્યું હતું કે, નિખિલ ગુપ્તાએ ભારત સરકારના એક કર્મચારી સાથે મળીને આ સાજિશ રચી હતી. તેમના કહેવા મુજબ, તે કર્મચારી દ્વારા ગુપ્તાને ન્યૂયોર્કમાં રહેતા શીખ અલગાવવાદી નેતા પન્નુની હત્યા કરાવવા સૂચના આપવામાં આવી હતી. આ એક વિદેશી વિરોધી તરફથી ભારત સરકારનાં આલોચકને ચુપ કરાવવાનો ગેરકાનૂની પ્રયાસ હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્તાએ 2023માં ભારતમાં રહીને ઓનલાઇન 15,000 ડોલરનું ચુકવણી કરી હતી. તેનું માનવું હતું કે, સોપારીની આ રકમ એવી વ્યક્તિને ચૂકવાઈ રહી છે જે પન્નૂની હત્યાને અંજામ આપી શકશે. જોકે, પછીથી ખુલ્યું હતું કે, તે જેના સંપર્કમાં તે હતો એ માણસ હકીકતમાં એક ગુપ્ત અમેરિકન અધિકારી હતો અને સોપારી કિલર બનીને ગોપનીય જાણકારીઓ એકઠી કરતો હતો.

54 વર્ષીય ગુપ્તા જૂન 2023થી જામીન વિના કેદમાં છે. તેને ચેક ગણરાજ્યમાંથી પ્રત્યાર્પણ કરીને અમેરિકા લાવવામાં આવ્યો હતો. તેની ધરપકડ પ્રાગમાં થઈ હતી. ગુપ્તાએ એક ડીલ હેઠળ ગુનો કબૂલ્યો હોવાનું જાણવા મળે છે. જેના આધારે તેને ઓછામાં ઓછા 20 વર્ષની સજા ભોગવવી પડશે. સજા સંભળાવવાની તારીખ 29 મે નક્કી કરવામાં આવી છે. ગુપ્તાની કબૂલાત દરમિયાન અદાલતમાં અમેરિકા અને કેનેડાના વિવિધ ભાગોમાંથી આવેલા લગભગ બે ડઝન જેટલા શીખ સમુદાયનાં લોકો હાજર હતા. અદાલતની કાર્યવાહી સમાપ્ત થતાં જ આ લોકોએ વિજયી નારાબાજી કરી હતી અને અદાલત ભવનની બહાર પ્રાર્થના સભા પણ કરી હતી. ત્યાં ખાલિસ્તાન લખેલા ઝંડા પણ ફરકાવાયા હતાં.

ઉલ્લેખનીય છે કે, પન્નુ શીખો માટે સ્વતંત્ર રાષ્ટ્રની માંગ કરે છે અને ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કરેલો છે. ગુપ્તાની કબૂલાત બાદ પન્નુએ ફોન પર નિવેદન આપતા કહ્યું હતું કે, તે પોતાનું અભિયાન ચાલુ રાખશે અને તેનાં માટે ગોળી ખાવા પણ તૈયાર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક