• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

આજે મધરાતે દિગંબર સાધુઓની રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન

(ફૂલછાબ ન્યુઝ)

જૂનાગઢ, તા.14 ઃ ગિરનારની ગોદ ભવનાથ તળેટીમાં યોજાયેલો મિનિ કુંભ મહાશિવરાત્રી મેળો આજે ચોથા દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના માર્ગો જૂનાગઢ તરફ વળ્યા છે, તળેટીમાં લાખોની માનવ મેદની ઉભરાય છે. આવતીકાલે મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ મેળાના આકર્ષણરૂપ દિગંબર સાધુઓની રવેડી અને શાહિદ સ્નાન સાથે મેળો સંપન્ન થશે.

ભવનાથ તળેટીમાં મિનિકુંભ મહાશિવરાત્રી મેળાનો મહાવદ નોમને તા.11ના રોજ ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સાથે પ્રારંભ થયો હતો. ચાર દિવસમાં છ લાખ  જેટલા ભાવિકોએ મેળાની મજા માણી છે. મેળાના આકર્ષણરૂપ દિગંબર સાધુઓની રવેડીના દર્શન કરવા માટે આજ બપોરથી સૌરાષ્ટ્રભરના માર્ગો જૂનાગઢ તરફ વળ્યા છે. જૂનાગઢ શહેર, તળેટી માર્ગ અને ભવનાથ તળેટીમાં નજર નાખો ત્યાં ભાવીકોની ભીડ નજરે પડી રહી છે.

ભાવિકોની ભીડ વધતા જિલ્લા વહીવટી તંત્રએ આવતીકાલ બપોરે 12 વાગ્યાથી પરમિટવાળા સહિતનાં વાહનોની પ્રવેશબંધી કરવાની જાહેરાત કરી છે. શિવરાત્રી મેળો ચરમસીમાએ પહોંચતા તળેટીમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ ઉમટી છે. આવતીકાલે રાત્રે નીકળનાર દિગંબર સાધુઓની રવેડી નિહાળવા માટે ભાવિકો રવેડી રૂટની બન્ને બાજુ તેમજ આસપાસની અગાસીઓ પર કલાકોથી તપશ્ચર્યા કરશે.

આવતીકાલે મોડીરાત્રે દશનામ જૂના અખાડા ખાતેથી પ્રાંરભ થનાર દિગંબર સાધુઓની રવેડીમાં વિઘ્નહર્તા ગણપતિજી, ગાયત્રી માતાની પાલખી તથા અન્ય અખાડાના સંતો ધર્મધજા પ્રતીક સાથે કતારબંધ રવેડીમાં જોડાશે. આ દિગંબર સાધુઓ અંગ કસરતના દાવ, તલવારબાજી, લાઠીદાવ રજૂ કરતા રવેડીરૂટ ઉપર ફરશે અને મધરાતે મૃગીકુંડમાં પવિત્ર સ્નાન અને શિવ પૂજા કરશે. આ સાથે પાંચ દિવસનો મિનિ કુંભ મહાશિવરાત્રી મેળો સંપન્ન થશે. શિવરાત્રી મેળામાં ચાર દિવસથી ભજન ભોજન અને ભક્તિનો રંગ ઘુંટાયો છે.

લાખો ભાવિકોએ આ આધ્યાત્મિક મેળાની મજા માણી ધન્યતા અનુભવી છે. આવતીકાલે તળેટીમાં પાંચ લાખથી વધુ ભાવિકો રવેડીના દર્શન કરવા ઉમટી પડશે. આ ભીડને ધ્યાન રાખી તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે, ઉપરાંત તળેટીમાં અન્નક્ષેત્રોમાં હરિહરનો નાદ ગુંજી રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક