રખડતા પશુઓના ત્રાસ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં ન લેવાયાનો આક્ષેપ
ખંભાળિયા, તા.3 : દેવભૂમિ દ્વારકા
જિલ્લાના ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. ધરમપુર
વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનામાં 13 વર્ષીય સાહિલ મહેન્દ્રભાઈ નકુમ નામનાં નિર્દોષ બાળકનું
મૃત્યુ નીપજ્યું છે, જેનાં કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.
સાહિલ મહેન્દ્રભાઈ નકુમ નામનો 13 વર્ષીય તરુણ સાયકલ લઈને મુખ્ય માર્ગ પરથી પસાર થઈ
રહ્યો હતો ત્યારે રસ્તા પર ઉભેલા એક રખડતા આખલાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. આખલાએ
પોતાના શિંગડાથી સાહિલના છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા તે લોહીલુહાણ હાલતમાં જમીન
પર ઢળી પડયો હતો. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગંભીર
ઈજાઓને કારણે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં
ભારે શોક છવાઈ ગયો છે. પરિવારજનો અને સ્થાનિક રહીશોનું કહેવું છે કે, વિસ્તારમાં રખડતા
પશુઓનો ત્રાસ લાંબા સમયથી ચાલી રહ્યો છે. અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક
પગલાં લેવામાં આવ્યાં નથી. આ બેદરકારીનાં કારણે આજે એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે.
લોકો માગ કરી રહ્યા છે કે રખડતા ઢોરને તાત્કાલિક કાબૂમાં લેવા માટે કડક કાર્યવાહી કરવામાં
આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે અસરકારક પગલાં લેવામાં આવે.