પૂર્વ ક્રિકેટરે કહ્યું, હાર્દિક પંડયા ટીમનો ભરોસો ગુમાવી ચૂક્યો છે
મુંબઈ,
તા. 3 : આઇપીએલની વર્તમાન સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે નવમાંથી સાત મુકાબલા ગુમાવ્યા છે
અને પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ખૂબ મુશ્કેલ થઈ ચૂક્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે
મળેલી હાર બાદ પૂરી ટીમ જ આલોચકોના નિશાને આવી છે. હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર
મનોજ તિવારીએ મુંબઈની વર્તમાન સ્થિતિ ઉપર આકરી ટિપ્પણી કરતા મોટો દાવો કર્યો છે. તેમના
કહેવા પ્રમાણે કેપ્ટન હાર્દિક પંડયા હવે ટીમનો ભરોસો ગુમાવી ચૂક્યો છે અને ડ્રેસિંગ
રૂમમાં એકતા જોવા મળી રહી નથી.
ચેન્નઈ
સુપર કિંગ્સ સામે મળેલી આઠ વિકેટે હારે મુંબઈની કમજોરીને ફરીથી ઉજાગર કરી દીધી છે.
ટીમ સતત ભૂલો દોહરાવી રહી છે અને મેદાન ઉપર રમતની કોઈ સ્પષ્ટ યોજના જોવા મળી રહી નથી.
મનોજ તિવારી અનુસાર આ માત્ર હાર નહીં પણ ટીમની અંદર પણ ગડબડનો સંકેત છે. કેપ્ટન તરીકે
સૌથી મોટી જવાબદારી ટીમનો ભરોસો જીતવાની હોય છે પણ વર્તમાન સમયે લાગી રહ્યું છે કે
ટીમ હાર્દિકની સાથે નથી. જે રીતનો સપોર્ટ હાર્દિકને મળવો જોઈએ તે મળી રહ્યો નથી.
આવી
જ રીતે ખેલાડીઓનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું છે. સૂર્યકુમાર યાદવ સતત સારું પ્રદર્શન
કરી રહ્યો નથી. તિલક વર્મા પણ એક બે ઇનિંગ પછી લય જાળવવામાં નિષ્ફળ રહ્યો છે. તેવામાં
ટીમનું સંતુલન એકદમ બગડી ગયું છે.