ભાવનગર, તા.3 : ભાવનગરના વરતેજ પોલીસે પેટ્રાલિંગ દરમિયાન એક ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ હાઇ વે પર નારી ગામ નજીકથી પસાર થતી એક એમ્બ્યુલન્સને રોકી તપાસ કરી હતી. આ તપાસમાં એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂની 3071 નંગ નાની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 9.58 લાખ રૂપિયા થાય છે. પોલીસે દારૂ, કાર અને મોબાઇલ ફોન મળી કુલ 14.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સ્થળ પરથી હરિયાણાના બે શખસની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે
આ ટોળકી પોલીસની નજરથી બચવા માટે એમ્બ્યુલન્સનો સહારો લેતી હતી. કારમાંથી ગુજરાત અને
રાજસ્થાનની અલગ-અલગ નંબર પ્લેટો પણ મળી આવી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે
હરિયાણાના સોનીપતથી અજયકુમાર નામના શખસે આ જથ્થો મોકલ્યો હતો, જે ભાવનગરના મહેશ ઉર્ફે
મયલા નામના શખસને પહોંચાડવાનો હતો. પોલીસથી બચવા માટે ગુજરાત બોર્ડર પર નંબર પ્લેટ
બદલી નાખવાની સૂચના પણ આપવામાં આવી હતી.
વરતેજ પોલીસે આ મામલે પકડાયેલા
બન્ને શખસ સહિત દારૂ મોકલનાર અને મગાવનાર કુલ ચાર વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.
હાલ પોલીસે હરિયાણાના વિકાસ અંતિલ અને વિશાલ જાટની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર
અજયકુમાર અને મગાવનાર મહેશ પરમારને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનાં ચક્રો
ગતિમાન કર્યાં છે.