• સોમવાર, 04 મે, 2026

લક્ષ્મી મિત્તલ બન્યા રાજસ્થાન રોયલ્સના માલિક અદાર પૂનાવાલા સાથે મળીને કરી 15 હજાર કરોડ રૂપિયામાં ડીલ

નવી દિલ્હી, તા. 3 : આઇપીએલ 2026માં ક્રિકેટના મેદાન ઉપર છગ્ગા ચોગ્ગાનો વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ તેમાં ભાગ લેનારી ટીમોનાં ખરીદ વેચાણ પણ થઈ રહ્યાં છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સને નવા માલિક મળ્યા છે. ભારતીય મૂળના અબજપતિ અને સ્ટીલ કિંગનાં નામથી ઓળખાતા લક્ષ્મી મિત્તલ પરિવારે રાજસ્થાન રોયલ્સ ખરીદી છે. આ માટેનો સોદો 15,660 કરોડ રૂપિયામાં થયો છે. અબજપતિ લક્ષ્મી મિત્તલના પરિવારે દેશમાં વેક્સિંગ કિંગ કહેવાતા સીરમ ઇન્સ્ટિટયૂટના સીઇઓ અદાર પૂનાવાલા સાથે મળીને ડીલ કરી છે. રિપોર્ટ અનુસાર આઇપીએલ ટીમનો સોદો પૂરો થયા બાદ મિત્તલ પરિવાર પાસે રાજસ્થાન રોયલ્સમાં મેજોરિટી 75 ટકા હિસ્સો હશે જ્યારે અદાર પૂનાવાલા પાસે લગભગ 18 ટકા હિસ્સો રહેશે. બાકીનો હિસ્સો અન્ય રોકાણકારો પાસે રહેશે.

સ્ટીલ કિંગ અબજપતિ લક્ષ્મી મિત્તલ આર્સૈલર મિત્તલના ફાઉન્ડર છે. તેમના પરિવારે અદાર પૂનાવાલા સાથે મળીને રાજસ્થાન રોયલ્સમાં નિયંત્રણ હિસ્સેદારી મેળવવાની સહમતી વ્યક્ત કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ, ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ, આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને અન્ય રેગ્યુલેટર્સ પાસેથી સ્વીકૃતિ મળ્યા બાદ 2026ના ત્રીજા ત્રીમાસિક ગાળામાં સોદો પૂરો થવાની સંભાવના છે.

ઇ-પેપરના નવા શુલ્ક