ધ્રાંગધ્રા, તા.3 : ધ્રાંગધ્રામાં વ્યાજખોરોના અજગરી ભરડામાં ફસાયેલા એક નાના વેપારીએ આખરે કંટાળીને પોલીસના દ્વાર ખખડાવ્યા છે. ઘરની આર્થિક તંગી અને દીકરીના લગ્ન પ્રસંગે લીધેલી અંદાજે 3થી 4 લાખની મૂડી સામે અત્યાર સુધીમાં વ્યાજ પેટે 7 લાખ રૂપિયાથી વધુની રકમ ચૂકવી દેવાઈ હોવા છતાં વ્યાજખોરો દ્વારા હજુ પણ પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મામલે વેપારીએ 10 જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભુંગળા-બટેટાની લારી ચલાવી ગુજરાન
ચલાવતા ઇકબાલભાઈ હુશેનભાઇ ગરાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જેહલબેન મેવાડા, દશરથભાઈ મેવાડા,
પરેશભાઈ પ્રજાપતિ, રામાસિંગભાઈ રબારી અને અંકિતભાઈ મેવાડા સહિતના શખસે 6%થી લઈને
50% જેટલા ઊંચા વ્યાજદર વસૂલી તેમને વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવ્યા હતા. આ ટોળકીએ વ્યાજની
રકમ પેટે વેપારીના પુત્રનું એક્ટિવા અને બેન્કના સહી કરેલા ચેક પણ પડાવી લીધા હોવાનો
ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ કેસમાં અન્ય આરોપીઓ મેહુલ રાતડિયા,
ગોપાલ ભરવાડ, ભુપેનભાઈ કોટક, મેહુલ દલવાડી અને મેહુલ લાકડિયા વિરુદ્ધ પણ લાયસન્સ વગર
નાણાં ધીરધાર કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા
મધ્યમવર્ગીય પરિવારે ન્યાયની ગુહાર લગાવતા સ્થાનિક પોલીસ સક્રિય થઈ છે. સાયબર ક્રાઇમ
અને પોલીસ તંત્ર દ્વારા જનતાને પણ આવા અનધિકૃત વ્યાજખોરોની જાળમાં ન ફસાવવા અને સમયસર
ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે.