ચીનનો 10 ટકા હિસ્સો ધરાવતી વિદેશી કંપનીઓ ફેમા હેઠળ ભારતમાં ઓટોમેટિક રૂટથી રોકાણ કરી શકશે : સરકારે નિયમમાં કર્યો ફેરફાર
નવી
દિલ્હી, તા. 3 : સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેનાં પરિણામે ચીની કંપનીઓને ફાયદો
થઈ શકે છે. હકીકતમાં નાણા મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને એવી વિદેશી કંપનીઓને
ફેમા હેઠળ ઓટોમેટિક રૂટથી ભારતમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે. જેમાં ચીનની હિસ્સેદારી
10 ટકા સુધીની છે. આ નિર્ણય 1 મે, 2026થી લાગુ થઈ ચૂક્યો છે અને સરકારે ફેમા હેઠળ બદલાવોને
નોટિફાય કરી દીધા છે.
રિપોર્ટ
અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વના કેન્દ્રીય મંત્રીમંડળે ગયા માર્ચ મહિનામાં
ડીપીઆઇઆઇટીના 2020ના પ્રેસ નોટ-3માં બદલાવને મંજૂરી આપી હતી. જેના હેઠળ વિદેશી કંપનીઓમાં
ચીન અથવા હોંગકોંગની હિસ્સેદારી 10 ટકા સુધી છે, તે ભારતમાં એવા સેક્ટર્સમાં ઓટોમેટિક
રૂટથી રોકાણ કરી શકશે જેમાં એફડીઆઇની મંજૂરી છે. હવે એફડીઆઇમાં પણ આ ઢીલ લાગુ કરી દેવામાં
આવી છે. જો કે આ સેક્ટર માટે નક્કી કરેલી શરતો ઉપર નિર્ભર કરશે જેનું પાલન કંપનીઓએ
કરવું પડશે. સરળ કરવામાં આવેલા એફડીઆઇ નિયમ ચીન અથવા હોંગકોંગ તેમજ ભારત સાથે જમીની
સીમા શેર કરનારા બીજા દેશોમાં સીધી રીતે નોંધાયેલી કંપનીઓ ઉપર લાગુ થશે નહીં. જેમાં
ચીન, પાકિસ્તાન, બંગલાદેશ, ભૂતાન, મ્યાંમાર અને અફઘાનિસ્તાન સામેલ છે. આ અગાઉ તમામ
દેશોના શેરાહોલ્ડરની વિદેશી ફર્મને ભારતના કોઈપણ સેક્ટરમાં રોકાણ માટે સરકાર પાસેથી
મંજૂરી લેવી પડતી હતી. હવે ખાસ કરીને ચીન માટે નિયમ થોડો સરળ બનાવવામાં આવ્યો છે.