ઓઇલનાં અવૈધ બેડાંને બનાવાયો નિશાન : બંદરનાં પ્રવેશ નજીક જહાજો ઉપર દાગ્યા ડ્રોન
નવીદિલ્હી, તા.3 : યુક્રેન અને
રશિયા વચ્ચેનું ઘર્ષણ હજી પણ થંભી રહ્યું નથી. યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ
કહ્યું હતું કે, તેમના સૈન્ય દળોએ રશિયાનાં વ્યૂહાત્મક કાળા સમુદ્ર બંદર નોવોરોસ્સિયસ્કના
પ્રવેશદ્વાર પાસે જ રશિયાના શેડો ફ્લીટ એટલે કે, ઓઇલના અવૈધ બેડામાંથી બે ઓઇલ ટેન્કરને
ઉડાવી નાખ્યા હતા.
એકબાજુ યુક્રેન લાંબા અંતરના
ડ્રોનથી રશિયાના બુનિયાદી ઓઇલ માળખા અને રિફાઇનરીઓને નિશાન બનાવી રહ્યું છે તો બીજીબાજુ
રશિયાએ પણ ડ્રોન હુમલામાં મોટો વધારો કર્યો છે. બન્ને દેશ વચ્ચે જે રીતે તનાવ વધી રહ્યો
છે તે જોતા યુદ્ધવિરામની સંભાવના ધૂંધળી નજર આવી રહી છે.
બંદરના પ્રવેશ પાસે જે બે જહાજને
નિશાન બનાવવામાં આવ્યા હતા તે ટેન્કર સક્રિય રીતે રશિયાનાં ઓઇલ પરિવહનમાં ઉપયોગમાં
લેવાતા હતાં. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, સમુદ્ર, આકાશ અને જમીન ઉપર યુક્રેનનાં લાંબા
અંતરની ક્ષમતાવાળા હુમલા ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનના ડ્રોન
વારંવાર રશિયાનાં મુખ્ય ઊર્જા મથકોને નિશાન બનાવી રહ્યાં છે. કાળા સમુદ્રની કિનારે
સ્થિત તુઆપસે શહેરમાં ઓઇલ રિફાઇનરી અને નિકાસ ટર્મિનલ ઉપર બે સપ્તાહ પૂર્વે ચાર મોટા
હુમલા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સ્થાન આશરે 4પ0 કિ.મી. દૂર હોવા છતાં
હુમલાને સફળતા પૂર્વક અંજામ આપવામાં આવ્યો હતો.