• સોમવાર, 04 મે, 2026

મેડિકલમાં પ્રવેશ માટે રાજકોટ સહિત રાજ્યભરમાં લેવાઈ ‘નીટ’ની કસોટી

રાજકોટમાં 5500થી વધુ વિદ્યાર્થી, પેડ બોલપેન સહિતની વસ્તુઓ વર્ગખંડની બહાર મુકાવાઈ

રાજકોટ, તા. 3 : મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે આવશ્યક એવી નીટ (નેશનલ એલિજીબિલીટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ) કસોટી આજે રાજકોટ સહિત રાજ્યભરમાં લેવામાં આવી હતી. જેમાં રાજકોટમાં 12 કેન્દ્ર પર 5500થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની અન્ડર ગ્રેજ્યુએશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં દેશમાં 22.79 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા જ્યારે રાજકોટમાં 5568 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષાર્થીઓ માટે વર્ગખંડમાં પ્રવેશ કરતા પહેલા શૂઝ નહીં પહેરવા, મોટા બટનવાળા વસ્ત્રો નહીં પહેરવા સહિતની માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત પેડ, બોલપેન સહિતની ચીજવસ્તુઓ બહાર મૂકાવવામાં આવી હતી. ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં 12 કેન્દ્ર પર આ કસોટી યોજાઈ હતી. જેમાં નેગેટીવ માર્કિંગ સિસ્ટમ પ્રમાણે 1 સવાલ ખોટો પડે તો સાચામાંથી એક માર્ક કપાશે. કાળઝાળ ઉનાળામાં પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમય પહેલા ઉપસ્થિત થઈ ગયા હતા. જોકે પરીક્ષા શરૂ થયાના દોઢ કલાક પહેલાથી એડમિટ કાર્ડના આધારે એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં સૌથી વધુ 720 વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કન્વેન્શન બિલ્ડિંગ ખાતે ફાળવાયા હતા. કુલ 12 કેન્દ્રમાં 5500થી  વધુ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરાઈ હતી. દીવમાં 167 વિદ્યાર્થીઓએ નીટની કસોટી આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક