• સોમવાર, 04 મે, 2026

સોમનાથ કોરિડોર માટે 250 મિલકતનાં સંપાદન બાદ ડિમોલિશન કામગીરી શરૂ

પઠાણવાડા, ભોંયવાડા, જૂના મંદિર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવાયું

વેરાવળ, તા.3 : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ચાલી રહેલા કોરિડોર વિકાસ પ્રોજેક્ટને હવે વેગ મળ્યો છે. પ્રોજેક્ટના ભાગરૂપે મંદિર આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજે સવારે પઠાણવાડા, ભોંયવાડા અને જૂના મંદિર વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનો દ્વારા મકાનો તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી હતી. ડિમોલેશન દરમિયાન જિલ્લા પોલીસ વડા, નાયબ કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રોજેક્ટ માટે એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, લગભગ 250થી વધુ મિલકતધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાની મિલકતો સરકારને સુપ્રત કરી છે. સ્થાનિકોની સહકાર ભાવનાને કારણે તંત્રને કામગીરી સરળતાથી આગળ વધારવામાં મદદ મળી છે. સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત મંદિર પરિસરના સર્વાંગી વિકાસનો હેતુ રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રાળુઓને આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રવેશ માર્ગ, સુવ્યવસ્થિત પાર્કિંગ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે.

ધાર્મિક અને પ્રવાસનના વૈશ્વિક નક્શા પર વિશેષ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવામાં આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. હાલ ચાલી રહેલી ડિમોલેશન કામગીરીને લઈને સ્થાનિકોમાં વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે છતાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક