• સોમવાર, 04 મે, 2026

આજે પાંચ રાજ્યમાં સત્તાનો જનાદેશ

પોંડીચેરી, આસામ, પ.બંગાળ, કેરળ, તામિલનાડુમાં મતગણતરી

પ.બંગાળ પર નજર; ગુજરાત સહિત પાંચ રાજ્યની આઠ બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થશે

નવી દિલ્હી, તા. 3 : હાઇ વોલ્ટેજ ચૂંટણી જંગ બાદ આવતીકાલે કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરી અને આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં મતગણતરી હાથ ધરાવાની સાથે જ સત્તાના સુકાન કોને મળશે તેનો જનચુકાદો આવશે. આ ચૂંટણીના પરિણામો પૈકી પશ્ચિમ બંગાળ મહત્ત્વનું બનશે, જેમાં મમતા બેનરજી સત્તા જાળવવામાં સફળ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આક્રમક પ્રચાર બાદ ભાજપ સત્તાપરિવર્તન કરશે તેના પર નજર રહેશે. આ રાજ્યોના પરિણામ તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો ઉપરાંત ભાજપ, કોંગ્રેસ, ડાબેરીઓના રાજકીય ભાવિનો માર્ગ પણ નક્કી કરશે. તામિલનાડુમાં ડીએમકેને અભિનેતા વિજય તરફથી ભારે પડકાર મળ્યો હોવાથી તેના પરિણામ પર પણ સૌની નજર છે. આ ઉપરાંત ગુજરાત સહિત પાંચ રાજ્યની આઠ બેઠકની પેટાચૂંટણીના પરિણામ પરથી પણ આવતીકાલે પડદો ઊંચકાશે.

દરેક રાજ્યમાં નિયત મતગણતરી કેન્દ્રો પર સવારે આઠ વાગ્યાથી બોસ્ટલ બેલેટની ગણતરી સાથે કવાયત શરૂ થશે. પ્રથમ વખત, ચૂંટણીપંચે ગણતરી કેન્દ્રોમાં ક્યૂ-આર કોડ આધારિત ફોટો ઓળખપત્ર સિસમસ્ટ અમલી બનાવી છે.

પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભા બેઠકો માટે 77 કેન્દ્રો પર મતગણતરી આરંભાશે જ્યાં આ વખતે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પરિણામ જાહેર થવાના દિવસ પહેલાં સુધી હોબાળો મચ્યો છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપે બંનેએ મતોમાં છેડછાડની આશંકા વ્યક્ત કરી છે.

રાજ્યમાં બે તબક્કામાં યોજાયેલી ચૂંટણી 29 એપ્રિલે પૂર્ણ થઇ હતી જેમાં સ્વતંત્રતા બાદ અત્યાર સુધીનું સૌથી વધુ 92.47 ટકા મતદાન થયું હતું. દક્ષિણ 24 પરગણાના ફાલ્ટામાં ‘ગંભીર ચૂંટણી ગુના’ઓને કારણે ચૂંટણી રદ કરવામાં આવી હતી જ્યાં હવે 21 મેના નવી ચૂંટણી યોજાશે.

મુખ્યમંત્રી મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ મુખ્ય વિપક્ષ ભાજપ તરફથી આક્રમક પડકાર સાથે સતત ચોથી વખત જીતના જનમત માટે મેદાને છે. સીપીઆઇ (એમ) અને કોંગ્રેસ 2021ની ચૂંટણીમાં સફાયા બાદ ફરી પગપેસારાના પ્રયાસમાં છે.

આસામમાં મતગણીતીની તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તમામ 126 બેઠક માટે કડક સુરક્ષા વચ્ચે 35 જિલ્લામાં 40 મતગણતરી કેન્દ્ર પર મતગણતરી સાથે 59 મહિલા સહિત 722 ઉમેદવારના ભાવિનો નિર્ણય થશે. ભાજપની આગેવાનીમાં એનડીએ રાજ્યમાં હેટ્રિકની આશા રાખી રહી છે.

પોંડીચેરીમાં પણ મતગણતરીની તમામ વ્યવસ્થા પૂર્ણ કરાઇ છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ સાથેનો મોરચો યુડીએફ, સત્તાધારી એલડીએફ પાસેથી સત્તા છીનવવા મેદાને છે. અહીં 140 બેઠક માટે 883 ઉમેદવાર હતા.

સત્તાધારી ડીએમકે તામિલનાડુમાં સત્તા જાળવી રાખવાની આશા ધરાવે છે પરંતુ અહીં તેને મુખ્ય પ્રતિદ્વંદ્વી એઆઇએડીએમકે ઉપરાંત અભિનેતા વિજયના નવરચિત પક્ષ ટીવીકે તરફથી ભારે પડકારનો સામનો છે.

આ સિવાય ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ગુજરાત અને મહારાષ્ટ્રની આઠ બેઠકની પેટા-ચૂંટણીનું પરિણામ પણ આવતીકાલે બહાર પડશે. જ્યાં પેટાચૂંટણી યોજાઇ હતી તેમાં પોંડા (ગોવા), બંગાલકોટ અને દાવનગિરિ દક્ષિણ (કર્ણાટક), કોરીડાંગ (નાગાલેન્ડ), ધરમનગર (ત્રિપુરા), ઉમરેઠ (ગુજરાત), રાહુરી અને બારામતી (મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક