• સોમવાર, 15 જૂન, 2026

ધોરાજી પંથકમાં ખનીજ ચોરીના કારોબાર ઉપર પોલીસનો દરોડો

સ્થાનિક પ્રશાસનની મીઠી નજર હેઠળ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી : રૂ.51.90 લાખનો મુદ્દામાલ કબજે

ધોરાજી,તા.14 : રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી એસઓજી ધોરાજી પંથકમાં ચાલતા ખનીજ ચોરીના કારોબાર ઉપર દરોડો પાડી રૂ.51.90 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચનાથી ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ. પારગી, પીએસઆઈ જી.જે.ઝાલા સહિતનો સ્ટાફ કામગીરીમાં હતો. દરમિયાન ધોરાજી તાલુકાના ભોલગામડા ગામની સીમમાં આવેલા ભાદર નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ, ખાણ ખનીજ વિભાગ રાજકોટના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશનભાઈ રાણવા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર જૈમીનભાઇ પટેલ અને ધોરાજી તાલુકા પોલીસના સ્ટાફે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ભોલગામડાના વતની અને હાલ રાજકોટ રહેતા લીઝ ધારક રતીલાલ જેશાભાઈ ડઢાણીયા પોતાની મંજૂર થયેલી સાદી રેતીની ક્વોરી લીઝ વિસ્તારની બહાર જઈને ગેરકાયદેસર રીતે મોટું ખનન અને રેતીનો સંગ્રહ કરતા ઝડપી લીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી એસ્કેવેટર મશીન, બે ટ્રક, 500 મેટ્રીક ટન રેતી અને 5 ખાલી માલવાહક ટ્રક મળી કુલ રૂ. 51.90 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક