• ગુરુવાર, 18 એપ્રિલ, 2024

સુરતમાં રત્નકલાકાર, પત્ની-પુત્ર-પુત્રી સહિત ચારેયનો આપઘાત

મૂળ ભાવનગરના સિહોરના વતની રત્નકલાકારના પરિવારના સામૂહિક આપઘાતનું રહસ્ય અકબંધ : હું સારો પતિ, પુત્ર કે પિતા ન બની શક્યો તેવો વીડિયો બનાવીને ભરેલું પગલું

(ફૂલછાબ ન્યુઝ)

સુરત, તા. 8:શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ યોગીચોક પાસે રહેતા મૂળ ભાવનગરના સિહોરના વતની  રત્ન કલાકાર 50 વર્ષના વિનુભાઇ ખોળાભાઇ મોરડિયા, તેની પત્ની શારદાબહેન, 25 વર્ષની પુત્રી સૈનીતા ઉર્ફે ટીના અને 17 વર્ષના પુત્ર કૃષે ઝેરી દવા પી સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ પરિવારના આપઘાત પાછળનું કારણ અકબંધ રહ્યું છે. રત્ન કલાકાર વિનુભાઇએ આત્મહત્યા કરતાં પહેલા બનાવેલા વીડિયોમાં હું સારો પતિ, પુત્ર કે પિતા બની શક્યો ન હોવાનું જણાવ્યું હતું.

એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગત મોડી રાત્રે પરિવારના સભ્યો દ્વારા આ આત્યંતિક પગલું ભરવામાં આવ્યું હતું. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં જ પરિવારના સભ્યો અને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક દંપતી સહિત પરિવારના ચારેય સભ્યોને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પહેલાં માતા અને પુત્રી બાદ આજે સવારે પુત્ર તથા પતિનું પણ મૃત્યુ થયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર સિહોરાના વતની અને યોગીચોક વિસ્તારમાં રહેતા 50 વર્ષીય વિનુ ખોળાભાઈ મોરડિયા રત્નકલાકાર તરીકે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની શારદા અને 25 વર્ષીય સૈનીતા ઉર્ફે ટીના ઘરમાં જ લેસપટ્ટીનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતા હતા જ્યારે હાલમાં જ ધોરણ 12ની પરીક્ષામાં પાસ થયેલ 17 વર્ષીય કૃષ મોરડિયા કોલેજમાં અભ્યાસ માટેની તૈયારી હાથ ધરી હતી. ગઇકાલે સાંજે આઠ વાગ્યાના સુમારે મોરડીયા પરિવારના ચારેય સભ્યો સરથાણા બીઆરટીએસ કેનાલ રોડ પર આવેલ દાતાર હોટલ પાસે પહોંચ્યા હતા. જયાં વિનુભાઈ, પત્ની, પુત્રી અને પુત્રએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ દરમિયાન વિનુભાઈએ પોતાના પિતરાઇ ભાઇ પ્રવિણભાઈને ફોન કરીને કેનાલ રોડ પર મળવા માટે બોલાવ્યા હતા. જેને પગલે થોડી જ વારમાં પ્રવિણભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં ચારેય જણને જમીન પર ઢળી પડેલી હાલતમાં જોઇને હતપ્રભ થઇ ગયા હતા. આ અંગે આસપાસના લોકોને પણ જાણ થતાં તાત્કાલિક 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોડી રાત્રે પત્ની શારદા, પુત્રી સૈનીતાના મૃત્યુ થયા હતાં જ્યારે આજે સવારે પુત્ર કૃષ અને પતિ વિનુભાઈ પણ મૃત્યુ પામ્યા હતા. અગમ્ય કારણોસર એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા સામૂહિક આપઘાતનાને પગલે પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, વિનુભાઈએ સુસાઇડ નોટરૂપી વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ બોલે છે કે, મારે હવે આપઘાત કરવા સિવાય કોઇ આખરી રસ્તો નથી. હું સારો પિતા ના બની શકયો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો, આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ તેમણે આપઘાત કરી લીધો હતો. બીજી તરફ વિનુભાઈ મોરડિયાના પરિવારજનો સહિત સમાજમાં પણ આ ઘટનાને પગલે ઘેરો આઘાત પ્રસરી ગયો હતો. મોડી રાત્રે સર્જાયેલ આ સામુહિક આપઘાતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક