29માંથી
25 પાલિકામાં મહાયુતિની જીત : મુંબઈમાં પહેલી વાર ભાજપના મેયર : ઉદ્ધવસેનાએ ટક્કર આપી
: મનસે ફરી નિષ્ફળ : કૉંગ્રેસે સ્થિતિ જાળવી : શિંદેનો મુંબઈમાં પ્રવેશ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
મુંબઈ,
તા. 16 : રાજ્યમાં મુંબઈ સહિત 29 પાલિકાની ચૂંટણી માટે ગુરુવારે મતદાન બાદ શુક્રવારે
હાથ ધરાયેલી મતગણતરીમાં સત્તાધારી ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની પાર્ટીની
મહાયુતિએ ઝળહળતો વિજય મેળવ્યો હતો.
મહારાષ્ટ્રમાં
પાલિકાની ચૂંટણીના ઈતિહાસમાં પહેલી વખત બે શિવસેના અને બે રાષ્ટ્રવાદી કૉંગેસની જુદી
જુદી યુતિ તેમ જ કૉંગ્રેસની યુતિ વચ્ચે બહુપક્ષીય લડત થઈ હતી. જેમાં ભાજપ સૌથી મોટા
પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.
29 પાલિકાના
કુલ 2869 નગરસેવકમાંથી ભાજપ 1421, શિવસેનાના 365, કૉંગ્રેસના 317, ઉદ્ધવસેનાના 162,
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ના 159, ઓવૈસીની પાર્ટી એઆઇએમઆયએમના 94, રાષ્ટ્રવાદી
કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના 29 અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 17 નગરસેવક
ચૂંટાઈ આવ્યા છે. મુંબઈમાં ભાજપ 88 બેઠક સાથે સૌથી મોટો પક્ષ બન્યો છે, જો કે ઉદ્ધવસેનાએ
66 બેઠક મેળવી છે. એકનાથ શિંદેની શિવસેનાને 27, કૉંગ્રેસને 23, મનસેને છ તથા અન્યોને
10 બેઠક મળી છે. સત્તા મેળવવા માટે જરૂરી 114 બેઠકનો આંકડો ભાજપ શિવસેનાની યુતિએ પ્રાપ્ત
કર્યો છે. આથી આ વખતે ભાજપના મેયર બનવાનું લગભગ નક્કી છે.
એકનાથ
શિંદેનો ગઢ થાણા જિલ્લો છે, મુંબઈમાં તેમનું ખાસ વજન નથી. આમ છતાં ભાજપ સાથેની યુતિમાં
મુંબઈમાં શિવસેનાનો 27 બેઠક પર વિજય થયો છે. આથી ઉદ્ધવ ઠાકરેના પક્ષની હાજરી હોવા છતાં
એકનાથ શિંદેને મુંબઈમાં સફળતા મળી છે.
મહાયુતિ
અને રાજ-ઉદ્ધવની યુતિ સામે કૉંગ્રેસ ટકી નહીં શકે એવું લાગતું હતું, પણ કૉંગ્રેસે
23 બેઠક મેળવી મુંબઈમાં પોતાની સ્થિતિ ઠીક
ઠીક જાળવી રાખી છે.
વીસ
વર્ષ પછી રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવી ચૂંટણીમાં મેદાનમાં ઝંપલાવ્યું હતું.
ઠાકરે બંધુ સાથે આવવાથી મહાયુતિ વિરુદ્ધ જોરદાર ટક્કર થશે એવું અનુમાન હતું. ઉદ્ધવ
ઠાકરેની શિવસેનાને 68 બેઠક મળી છે, પણ રાજ ઠાકરેના પક્ષને માત્ર છ બેઠક મળી છે.
ઉલ્લેખનીય
છે કે મુંબઈની સાથે થાણે, નવી મુંબઈ, મીરા ભાયંદર, વસઈ વિરાર, ભીવંડી નિઝામપુર, ઉલ્હાસનગર,
કલ્યાણ ડોમ્બિવલી, પનવેલ, નાસિક, માલેગાવ, ધુળે, જળગાવ, અહિલ્યાનગર, પુણે, પિંપરી-ચિંચવડ,
સોલાપુર, કોલ્હાપુર, સાંગલી-મિરજ-કૂપવાડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ-વાઘાલા, લાતુર,
પરભણી, અમરાવતી, અકોલા, નાગપુર, ચંદ્રપુર અને જાલનામાં એકસાથે મહાનગરપાલિકાની ચૂંટણી
આયોજિત કરાઈ હતી.
આમાંથી
લાતુર, વસઈ-વિરાર, કોલ્હાપુર અને માલેગાવમાં મહાયુતિને બહુમતિ નથી મળી.
---------
સુશાસનનાં
એજન્ડાનો વિજય : વડાપ્રધાન મોદી
નવી
દિલ્હી, તા.16: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપ અને એનડીએનાં
પ્રચંડ વિજય પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. મોદીએ એનડીએને વિજય
અપાવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, રાજ્યની
ઉત્સાહી જનતાએ એનડીએના જનહિતકારી અને સુશાસનના એજન્ડાને પોતાનાં આશીર્વાદ આપ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આગળ લખ્યું હતું કે વિવિધ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓના
પરિણામો દર્શાવે છે કે મહારાષ્ટ્રની જનતા સાથે એનડીએનો સંબંધ વધુ મજબૂત થયો છે. અમારો
અનુભવ અને વિકાસદૃષ્ટિએ જનમાનસમાં સ્થાન બનાવ્યું છે. મહારાષ્ટ્રની સમગ્ર જનતા પ્રત્યે
હું દિલથી આભાર વ્યક્ત કરું છું. આ નિર્ણય પ્રગતિને વધુ ગતિ આપનાર છે અને રાજ્ય સાથે
જોડાયેલી ગૌરવશાળી સંસ્કૃતિનું ઉજવણીરૂપ છે.