• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

કસ્ટોડીયલ ડેથમાં ગુજરાત દેશમાં ટોચના ક્રમાંકે, છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 95 આરોપીના મૃત્યુ

ભાજપ સરકારમાં થતાં કસ્ટોડીયલ ડેથ એ સત્તાના દુરુપયોગનો પુરાવો : ડો.મનિષ દોશી

અમદાવાદ,તા.5 : ગુજરાતમાં માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરુપયોગમાં રાચતી ભાજપ સરકારમાં કસ્ટોડીયલ ડેથ અંગે ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધી- સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ કાયદાના શાસનથી ચાલે છે, પરતું ભાજપ સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ સત્તાના દુરુપયોગની ચાડી ખાય છે.

દરેક કસ્ટોડિયલ ડેથની સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવામાં આવે. ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના શંકાસ્પદ મોત પર ફાસ્ટ-ટ્રેક કોર્ટ, પોલીસ રિફોર્મ્સ, 20 વર્ષથી સરકાર શા માટે અટકાવી રહી છે? તેમજ જવાબદાર અધિકારીઓ પર કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે એક કસ્ટોડીયલ ડેથની ઘટના પણ તપાસ માગી લે છે. છેલ્લાં છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 95 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં ટોચના ક્રમાંકે છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગેની સબ સલામતની પોલ ખોલી નાખી છે. સમગ્ર દેશમાં 2017થી 2023 સુધીના છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં લગભગ 700થી વધુ લોકોના મૃત્યુ થયા છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણે આરોપીઓનાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં સતત માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ પરિસ્થિતિ પોલીસ કસ્ટડીમાં રહેલા લોકોની સલામતિ અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.

ગુજરાતમાં વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12, વર્ષ 2021-22માં 24 અને વર્ષ 2022-23માં 15 કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ 2019-20માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22માં 24 ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક