દીવાલના ચણતર કામ સમયે બની ઘટના : હોસ્પિટલમાં પરિવારનો આક્રંદ
ઉના, તા. 5: શહેરના લાઈબ્રેરી
ચોક વિસ્તારમાં એક દુકાનનું ચણતર કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી
થતાં બે શ્રમિક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર
ઘટનાથી મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.
લાઈબ્રેરી ચોકમાં આવેલા ઈમ્તિયાઝભાઈ
વોરાના ગોડાઉન પાસેની એક દુકાનનું બાંધકામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું. જ્યાં
બે શ્રમિક યુવાનો મુસ્તાક અબ્દુલ કરીમ નરપાલી (ઉં.વ. 40, રહે. તાઈવાડા) અને ઈરફાન હાજીભાઈ
મન્સુરી (ઉં.વ.35, રહે. પટેલ કોલોની, મૂળ જાફરાબાદ) દીવાલનું ચણતર કામ કરી રહ્યા હતા.
તે સમયે અચાનક દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ હતી અને દીવાલના કાટમાળ નીચે બન્ને યુવાન
દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા
બંને યુવાનોને બહાર કાઢયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યા હતા. જ્યાં તબીબે બન્ને શ્રમિકને મૃત જાહેર કર્યા હતા. મૃતકોના પરિવારજનો પણ
હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે
આ બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.