ઉમરાળા, તા.5 : ઉમરાળા ખાતે નવનિર્મિત તાલુકા ખાતે મામલતદાર ઓફિસમાં હાજર મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં કામ કરતા બૂથ લેવબ ઓફિસર્સ પૈકી એક શિક્ષક બીએલઓના કામના ભારણના કારણે વધુ પડતા તનાવગ્રસ્ત થઈ જવાથી આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવાના હેતુથી સેવાસદન ભવનના ધાબા પર ચડી ગયા હતા. જેનો અણસાર આવી જતાં મામલતદાર ઓફિસના એક કર્મચારીએ શિક્ષકની પાછળ ધાબા પર દોડી જઈ ધાબા પરથી નીચે કૂદે એ પહેલાં બીએલઓને પકડી લઈ બચાવી લીધા હતા. જોકે આ અંગે કોઈ સત્તાવાર નોંધ લેવાઈ નહોતી, પણ તનાવગ્રસ્ત શિક્ષકનું બ્લડપ્રેશર હાઈ થઈ જવાથી તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આમ, મામલતદાર ઓફિસના એક કર્મચારીની સમયસૂચકતાના કારણે એક શિક્ષકનો જીવ બચ્યાની અને સેવાસદન કાળી ટીલીમાંથી બચ્યાની ચર્ચા થતી આજે બીજા દિવસે પણ સંભળાય છે.