ઉના, તા.24: ગિર સોમનાથ જિલ્લાના ઉનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે સનસનાટી મચાવનાર ફાયારિંગની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણિયાએ પોતાના પર જીવલેણ હુમલો થયો હોવાનો જે દાવો કર્યો હતો, તે પોલીસ તપાસમાં ખોટો અને પૂર્વઆયોજિત કાવતરું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપી ઉમેદવારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુરુવારે,
23 એપ્રિલની રાત્રે અંદાજે 10:00 વાગ્યાના અરસામાં ઉના નગરપાલિકાના વોર્ડ નં.5 અને
‘આપ’ ઉમેદવાર અજયભાઈ બાંભણિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે,
તપોવન પાટિયા નજીક બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ તેમની કાર પર ફાયારિંગ કર્યું હતું.
હુમલા દરમિયાન કારનો કાચ તૂટવાથી તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં
રજૂઆત દરમિયાન તેઓ ઢળી પડતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતા જોઈ ગીર સોમનાથ પોલીસ હરકતમાં આવી હતી અને વિવિધ ટીમોએ સંયુક્ત તપાસ
શરૂ કરી હતી. તપાસ દરમિયાન એફ.એસ.એલ. રિપોર્ટમાં ઘટનાસ્થળે કે કારના નિરીક્ષણ દરમિયાન
ફાયારિંગના કોઈ નક્કર પુરાવા મળ્યા નહોતા. સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સોર્સ દ્વારા
માલૂમ પડયું હતું કે, આરોપીએ વિરોધીઓને ફસાવવા માટે જાતે જ કાવતરું રચ્યું હતું. આરોપી
પાસેથી ગેરકાયદે કારતુસ પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ તે ખોટા પુરાવા ઊભા કરવા માટે
કરવાનો હતો.
પોલીસે
જણાવ્યું હતું કે, આરોપી અજય બાંભણિયા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો
છે. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.