• મંગળવાર, 23 એપ્રિલ, 2024

સત્યપાલ પર CBI દરોડાથી ઘમસાણ 30 સ્થળ પર CBI ત્રાટકી; હું ડરવાનો નથી : મલિક

આ લોકતંત્ર છે  ? : રાહુલના પ્રહાર

નવી દિલ્હી, તા. 22 : કિરુ હાઇડ્રો ઇલેકિટ્રક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલામાં આજે સીબીઆઇની ટીમોએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનાં ઘર તેમજ દિલ્હી સ્થિત 29 સ્થળ સહિત 30 પરિસરો પર દરોડા પાડયા હતા.

આ કાર્યવાહીની પ્રતિક્રિયા આપતાં મલિકે ‘એક્સ’ પર લખ્યું હતું કે, હું કિસાનનો પુત્ર છું. આવા કોઇ દરોડાથી ગભરાવાનો નથી.

દરમ્યાન, સીબીઆઇ દરોડાના પ્રત્યાઘાત રૂપે ‘મોદીરાજ’ પર પ્રહાર કરતાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સવાલ ઊઠાવ્યો હતો કે, કિસાન એમએસપી માગે, તો તેને ગોળી મારી દો. શું આ છે લોકતંત્રની જનની?

પૂર્વ ગવર્નર સત્ય બોલે તો તેમનાં ઘરમાં સીબીઆઇ મોકલી દેવી,  મુખ્ય વિપક્ષના બેન્ક ખાતાં બંધ કરવા, શું આ લોકતંત્ર છે, તેવા સવાલ તેમણે કર્યા હતા.

મલિકે રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દાવો કર્યો હતો કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની 2 ફાઇલો પાસ કરવા માટે તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. દરોડા બાદ મલિકે એક્સ પર પોસ્ટ કરી કહ્યું કે હું ખેડૂતનો દીકરો છું, દરોડાથી ગભરાઈશ નહીં.

સત્યપાલ મલિકે 17 ઓક્ટોબર, 2021ના  રાજસ્થાનના ઝુંઝુનુમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને કરોડોની લાંચની ઓફર કરવામાં આવી હતી.  મલિકે એમ પણ કહ્યું હતું કે, બંને ફાઇલો માટે તેમને 150-150 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. મલિકે કહ્યું, ‘મેં કહ્યું હતું કે હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો છું અને તે લઈને જ અહીંથી જઈશ, જ્યારે સીબીઆઈ પૂછશે ત્યારે હું ઓફર કરનારાઓનાં નામ પણ જણાવીશ.’

સીબીઆઇએ આ કેસમાં 2 એફઆઇઆર નોંધી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક